બ્રિટિશ જજે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જેનું અમેરિકાને પ્રત્યાર્પણ નહીં કરાય તેવો આદેશ સોમવારે આપ્યા પછી મેક્સિકો સરકારે સોમવારે તેને રાજકીય આશ્રય આપવાની ઓફર કરી હતી. અસાન્જે પર જાસૂસીના આરોપો છે.
આ અંગે પ્રેસિડેન્ટ એન્ડ્રેસ મેન્યુલ લોપેઝ ઓબ્રેડરે રીપોર્ટર્સને જણાવ્યું હતું કે, ‘અસાન્જેની મુક્તિ માટે યુકે સરકારને વિનંતી કરવા માટે હું વિદેશ પ્રધાનને કાર્યવાહી હાથ ધરવા કહું છું.’
તેમણે જણાવ્યું હતું કે, મેક્સિકો એ વાતની ખાતરી આપશે કે, કોઇપણને રાજ્યાશ્રય મળવા બાબતમાં કોઇપણ દેશની રાજકીય દખલ નહીં ચાલે.
અગાઉ આ લેટિન અમેરિકન દેશે બોલિવિયાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઇવો મોરેલ્સ જેવા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતા વ્યક્તિઓને રાજયાશ્રય આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. અમેરિકામાં અફઘાનિસ્તાન અને ઇરાકમાં 2010ની લશ્કરી કેમ્પેઇન્સની બાબતોની વિગતો આપતી પાંચ લાખ ગુપ્ત ફાઇલ્સ વિકિલીક્સ દ્વારા જાહેર કરવાના 18 આરોપસર અસાન્જે અમેરિકામાં વોન્ટેડ છે.
49 વર્ષના આ ઓસ્ટ્રેલિયન નાગરિક દોષિત ઠરે તો તેને 175 વર્ષની જેલ સજા થઇ શકે છે. અમેરિકન સરકારે જણાવ્યું હતું કે, આ ચૂકાદાને તેઓ પડકારશે. તેમની પાસે એ માટે બે સપ્તાહનો સમય છે.