યુકેમાં કોરોના વાઈરસનો રોગચાળો જંગલની આગની માફક ઝડપથી પ્રસરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન બોરિસ જોન્સને તેમની ભારતની આગામી મુલાકાત રદ કરી છે. ભારતે તેમને 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું, જે તેમણે સ્વિકાર્યું હતું.
સમગ્ર બ્રિટનમાં બુધવારથી વ્યાપક, લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ કરવાની જાહેરાત બોરિસ જોન્સને સોમવારે રાત્રે જ કરી હતી. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવકતાએ આપેલી માહિતી અનુસાર બોરિસ જોન્સને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંગળવારે સવારે ફોન ઉપર વાત કરી ખેદ સાથે પોતાની ભારતની મુલાકાત રદ કરવાની જાણ કરી હતી. બોરિસે એવું જણાવ્યું હતું કે, યુકેમાં નવા લક્ષણો સાથેનો કોરોના વાયરસનો ચેપ જે ઝડપે ફેલાઈ રહ્યો છે, તે સંજોગોમાં સોમવારે સમગ્ર દેશમાં આકરા લોકડાઉનનો નિર્ણય લેવાયા પછી આ સ્થિતિનો મુકાબલો કરવા પોતાની ઉપસ્થિતિ દેશમાં જ વધુ જરૂરી છે.
વડાપ્રધાને એવા સંકેત પણ આપ્યા છે કે, તેઓ આ વર્ષના પૂર્વાર્ધમાં જ ભારતની મુલાકાત લેશે અને તે યુકેમાં યોજાનારી જી7 શિખર પરિષદ પહેલા યોજાશે. જી7 શિખર માટે યુકેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રણ આપ્યું છે.
યુકેમાં કોરોના વાઈરસના ચેપનો ફેલાવો એટલી હદે ચિંતાજનક બની ગયો છે કે, સોમવારે (4 જાન્યુઆરી) એક જ દિવસમાં 58,784 લોકો કોરોનાના નવા શિકાર બન્યા હતા. ગયા સપ્તાહે નવા દર્દીઓની સંખ્યામાં તેના એક સપ્તાહ પહેલાની તુલનાએ 50 ટકાનો વધારો થયો હતો.