અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં હારેલા ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રાત્રે જાહેરાત કરી હતી કે તે પ્રમુખપદ જાળવી રાખવા તમામ તાકાત સાથે લડત આપશે. ઇલેક્ટ્રોલ કોલેજ વોટને મંજૂરી આપવા આ સપ્તાહે યોજાનારા સંસદના સંયુક્ત સેશનમાં જો બાઇડન સામેના તેમના પરાજયને પલટી નાખવા પણ ટ્રમ્પે રિપબ્લિકન સાંસદોને અનુરોધ કર્યો હતો.
જ્યોર્જિયામાં આઉટડોર રેલીમાં સમર્થકો વચ્ચે ટ્રમ્પે હુંકાર કર્યો હતો કે બાઇડન દ્વારા ઇલેક્ટ્રોલ વોટમાં જીતથી વ્હાઇટ હાઉસ મળી જતું નથી. અગાઉ વોશિંગ્ટનમાં બુધવારે સંસદના સંયુક્ત સેશનમાં બાઇડનના વિજયનો વિરોધ કરવા રિપબ્લિકન સાંસદોને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. ઇલેક્ટ્રોરલ કોલેજમાં બાઇડનની વિજયને પુષ્ટી આપવા સંસદનું સંયુક્ત સેશન બુધવારે યોજાશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમની મુલાકાતનો હેતુ સંસદની બેઠક પહેલા રિપબ્લિકન સાંસદોના ઉત્સાહમાં વધારો કરવાનો છે.