(istockphoto.com)

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક એમ બે કંપનીઓની કોરોના વેક્સિનને મંજૂરી મળ્યા બાદ વેક્સિન અંગે વોર ચાલુ થયું છે. ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિન કેટલાંક લોકો ટીકા કરતાં કંપનીના સ્થાપક અને ચેરમેન ક્રિષ્ના ઇલ્લા રોષે ભરાયા હતા.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાનું નામ લીધા વિના ક્રિષ્ના ઇલ્લાએ જણાવ્યું હતું કે અમે 200 ટકા પ્રામાણિક ક્લિનિકલ ટ્રાયલ કરીએ છીએ અને તેમ છતાં અમારા વિશે ખોટી પ્રતિક્રિયા મળે છે. જો હું ખોટો હોઉં તો મને કહો. કેટલીક કંપનીઓએ અમારી રસીને પાણી ગણાવ્યું છે. હું તેને નકારવા માગું છું. અમે વૈજ્ઞાનિક છીએ. અમારી ટ્રાયલ પર ખોટા સવાલ ન ઉઠાવો.

હકીકતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ રવિવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોના સામે માત્ર ત્રણ રસીઓ અસરકારક છે- ફાઇઝર, મોડર્ના અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા જ્યારે બાકીની રસીઓ માત્ર પાણીની જેમ સુરક્ષિત છે.

ક્રિષ્ના ઇલ્લાએ જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપે યુકેની એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડ રસીના ટેસ્ટ ડેટાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે સ્પષ્ટ નહોતું પરંતુ કોઈ ઓક્સફર્ડ રસીના ડેટા પર સવાલ ઉઠાવી રહ્યું ન હતું.
ક્રિષ્ના ઇલ્લાએ જણાવ્યું હતું કે, સુરક્ષિત અને અસરકારક રસી ઉત્પાદનનો અમારો રેકોર્ડ રહ્યો છે. રસીના તમામ ડેટા પારદર્શક છે. રસીના પૂરતા આંકડા જાહેર થઈ ચૂક્યા છે. લોકો માટે ડેટા ઓનલાઇન ઉપલબ્ધ છે. આ રસીને એટલા માટે નિશાન બનાવવામાં આવી રહી છે કારણ કે તે ભારતીય કંપનીની પ્રોડક્ટ છે. ઉદ્યોગના નિષ્ણાતો અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ કોવેક્સિનની મંજૂરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને પરીક્ષણના ત્રીજા તબક્કાનો ડેટા ન હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.