ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર કોવિડ-19ના સામેના વેક્સિનેશન માટે સંપૂર્ણ સજ્જ છે. હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેક્સિન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે. ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઇન બની ગઇ છે, સર્વેક્ષણ કામગીરી થઇ ગઇ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઇ ગઇ છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે ભારત સરકાર રસીકરણનો કાર્યક્રમ જાહેર કરે કે તરત ગુજરાતમાં પણ વેક્સિનેશનની કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સજ્જ છે. વિવિધ જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણીની પ્રક્રિયાની જેમ જ સ્કૂલોમાં, પંચાયતની કચેરીઓમાં, મ્યુનિસિપલની કચેરીઓમાં, કોમ્યુનિટી હોલમાં વેક્સિનેશન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. અને CM ડેશ બોર્ડ પર તમામ લાભાર્થીઓની અપડેટ રાખવામાં આવશે.
વેક્સિનેશન સેન્ટરમાં સેનેટાઈઝેશનની વ્યવસ્થા હશે. સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રખાશે. એક સમયે રૂમમાં એક જ વ્યક્તિને હાજર રાખીને ડોઝ અપાશે. વેકિસનેશન સેન્ટર પર 5 લોકોની ખાસ ટીમ હાજર રહેશે. કોરોનાની રસી લેવા માટે ડોર ટૂ ડોર સર્વેમાં થયેલાં રજિસ્ટ્રેશનના આધારે પ્રવેશ અપાશે. વ્યક્તિએ આધારકાર્ડ કે રજિસ્ટ્રેશન સમયે જે પુરાવો આપ્યો હોય તે સાથે રાખવાનો રહેશે. કોરોનાની વેક્સિન લીધાં બાદ લાભાર્થીનું સ્પેશિયલ કાઉન્સિલિંગ કરવામાં આવશે. જેમાં તેને કોરોના અંગે ખાસ જાણકારી અપાશે. રસી લીધાં બાદ કોઈ તકલીફ થાય તો શું કરવું તે અંગે જાણકારી અપાશે. એક ડોઝ પછી રસીના બીજા ડોઝ માટેની જાણકારી અપાશે. અને કોવિડની ગાઈડલાઈનના પાલન અંગે જાણકારી અપાશે.