ભારતમાં ઓક્સફર્ડની રસી પ્રતિ ડોઝ સરકારને રૂ. 2૦૦માં વેચવામાં આવશે જ્યારે બજારમાં તેની કિંમત પ્રતિ ડોઝ રૂ. ,૦૦૦ હશે. એટલે કે કોરોનાની બે ડોઝની રસી સરકારને રૂ.૪૦૦માં અને બજારમાં રૂ. ૨,૦૦૦માં વેચાશે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના વડા અદર પૂનાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે કોવિશિલ્ડ વેક્સિનના રિટેલ વેચાણને સરકાર મંજૂરી આપશે તો આ વેક્સિનનું ડોઝ દીઠ રૂ.1000ના ભાવે વેચાણ કરશે. ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોનાની રસી કોવિશિલ્ડને ભારતમાં રવિવારે મંજૂરી આપવામાં આવી હતી. ભારતમાં આ વેક્સિનનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ કરે છે.
અદર પૂનવાલાએ જણાવ્યું હતું કે સરકારને અમે પ્રથમ 100 મિલિયન ડોઝ માટે રૂ, 200ના સ્પેશ્યલ ભાવે વેચાણ કરીશું. આ પછી ટેન્ડર પ્રોસેસ થશે અને જુદા ભાવે વેક્સિન ઉપલબ્ધ બનશે. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષિત અને અસરકારક આ રસી ૭થી ૧૦ દિવસમાં રોલ-આઉટ માટે તૈયાર છે. કંપની એક મહિનામાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીના પાંચથી છ કરોડ ડોઝ ડિલિવરી માટે તૈયાર છે, જે ફાઈઝર કરતાં સસ્તી પણ છે અને તેનો સંગ્રહ અને પરિવહન પણ સરળ છે. કંપની આગામી એક મહિનામાં આશરે 70થી 80 મિલિયન ડોઝના સપ્લાયની આશા રાખી રહી છે.