પાકિસ્તાનનાં બલુચિસ્તાન પ્રાંતમાં બંદુકધારીએ અપહરણ કર્યા બાદ ઓછામાં ઓછા 11 કોલસા મજુરોની રવિવારે ગોળીમારીને હત્યા કરી હતી. આ લોકો લઘુમતી હાજરા શિયા સમુદાયના હોવાનું માનવામાં આવે છે.
પોલીસે જણાવ્યુ હતું કે કોલસાનું ખાણકામ કરતાં આ મજૂરો પોતાના કામ પર જઇ રહ્યા હતા ત્યારે અજ્ઞાત બંદુકધારીઓએ અપહરણ કર્યું હતું અને માછ વિસ્તારોની નજીક ટેકરી પર લઇ જઇને ગોળી મારી દીધી હતી.
બલુચિસ્તાનનાં મુખ્યુપ્રધાન જામ કમાલ ખાને આ ઘટનાની નિંદા કરી છે અને સંબંધિત અધિકારીઓ પાસે તપાસ રિપોર્ટ માગ્યો હતો.
વડાપ્રધાન ઇમરાન ખાને પણ આ અમાનવીય અને કાયરતાપુર્ણ હત્યાકાંડની નિંદા કરી હતી. ગયા વર્ષના એપ્રિલ પછીથી હાઝરા સમુદાયના સભ્યો સામે આ પ્રથમ મોટો હુમલો છે. રવિવારના આ હુમલા માટે કોઇ ત્રાસવાદી સંગઠને જવાબદારી સ્વીકારી નથી, પરંતુ સામાન્ય રીતે તાલિબાન અને ઇસ્મામિક સ્ટેટના ત્રાસવાદીઓ તેમના લક્ષ્યાંક બનાવતા આવ્યા છે. 2013માં ક્વેટામાં ત્રણ બોંબ વિસ્ફોટમાં 200 લોકોના મોત થયા હતા. રવિવારના હુમલાને પગલે ક્વેટામાં હાઝરા સમુદાયના લોકોએ દેખાવો કર્યા હતા અને ટાયર સળગાવ્યા હતા.