કૃષિ કાયદા અંગે ખેડૂત સંગઠનો અને ભારત સરકાર વચ્ચે બુધવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી છઠ્ઠા તબક્કાની વાતચીતને અંતે ચાર મુદ્દામાંથી બે મુદ્દા પર સહમતી સધાઈ હતી. હવે ખેડૂતો અને સરકાર વચ્ચે આગામી તબક્કામાં ચાર જાન્યુઆરીએ બેઠક યોજાશે.
શરે પાંચ કલાક સુધી ચાલેલી બેઠક બાદ કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે આજની બેઠક અગાઉની જેમ સારા માહોલમાં યોજાઈ હતી. ખેડૂત નેતાઓએ 4 મુદ્દા ચર્ચા માટે રજૂ કર્યા હતા, જે પૈકી 2 મુદ્દા પર સરકાર તથા યુનિયનો વચ્ચે પરસ્પર સહમતી થઈ છે.
ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે પણ કહ્યું હતું કે બે મુદ્દાને લઈ સહમતિ થઈ છે. હવે અન્ય બે મુદ્દા અંગે આગામી બેઠકમાં ચર્ચા વિચારણા યોજાશે. અલબત સંપૂર્ણ સમાધાન થયું નથી. અમારું આંદોલન ચાલુ રહેશે.તોમરે જણાવ્યું હતું કે ખેડૂતોની માંગમાં પહેલી એન્વાયરમેન્ટ સંબંધિત ઓર્ડિનેન્સમાં ખેડૂત તથા પરાલીને લગતી હતી. તે અંગે સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતિ સધાઈ હતી. બીજો મુદ્દો ઈલેક્ટ્રીસિટી એક્ટ અંગે હતો, ખેડૂતોને સિંચાઈ માટે જે સબસિડી આપવામાં આવે છે તે યથાવત રહેશે. આ બન્ને માંગને લઈ બન્ને પક્ષો સહમત થયા છે.
આ અગાઉ વિજ્ઞાન ભવનમાં 40 ખેડૂત સંગઠનોના નેતાઓની સરકાર સાથે મીટિંગ થઈ હતી. બેઠકમાં સરકાર તરફથી કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, રેલવે પ્રધાન પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય પ્રધાન સોમ પ્રકાશ હાજર રહ્યા હતા.