આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પોતાના દાયકાના શ્રેષ્ઠ ખેલાડીઓના એવોર્ડની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. વિતેલા દાયકામાં વિશ્વ ક્રિકેટ પર છવાઈ રહી વર્ચસ્વ સ્થાપિત કરનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસી ક્રિકેટર ઓફ ધ ડીકેડના એવોર્ડથી સન્માનિત કરાયો છે. તેને વન-ડે ક્રિકેટર ઓફ ધ ડીકેડથી પણ સન્માનિત કરાયો છે.
કોહલીએ તમામ ફોર્મેટમાં મળી એકંદરે વિતેલા દાયકામાં સૌથી વધુ રન કર્યા છે. સૌથી વધુ સદી કરવામાં પણ કોહલી પ્રથમ સ્થાને છે. વિરાટ કોહલીને સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ મળશે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવન સ્મિથને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડીકેડ અને અફઘાનિસ્તાનના યુવા સ્પિનર રાશિદ ખાનને આઈસીસી ટી-20 ક્રિકેટર ઓફ ધ ડીકેડથી સન્માનિત કરાયા છે. ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર પૂર્વ કેપ્ટન એમએસ આઈસીસી સ્પિરિટ ક્રિકેટર ઓફ ધ ડીકેટથી સન્માનિત કરાયો છે.
ઓસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા ઓલરાઉન્ડર એલિસ પેરીને મહિલા વન-ડે અને ટી-20 ક્રિકેટર ઓફ ધ ડીકેડ તથા આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ ડીકેડ જાહેર કરાઈ છે.