ગુજરાતના અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે યોજાતા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલને આ વર્ષે રદ કરવામાં આવ્યો છે. જોકે સરકારે હજુ સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી. ગુજરાતમાં દર વર્ષે ટુરિઝમ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાય છે, જેમાં દેશવિદેશના પતંગબાજો ભાગ લે છે અને વિવિધ આકાર-કદની પતંગો ચગાવી આકાશી કરતબ કરે છે.
માત્ર અમદાવાદ જ નહી, સાપુતારા, માંડમી, કચ્છ સહિત અનેક શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હજુય યથાવત રહ્યુ છે. જોકે, દિવાળીના તહેવારો બાદ રાત્રી કરફ્યુ અમલી બનાવ્યા બાદ કોરોના કાબૂમાં આવી શક્યો છે.
દિવાળી પછીના સપ્તાહોમાં કોરોના વાઇરસના દરરોજ 1500 કેસો નોંધાતા હતાં તેના સ્થાને હવે કેસોનો આંકડો 900 સુધી પહોંચ્યો છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. હાઇકોર્ટે પણ કોરોનાના સંક્રમણને લઇને ફટકાર લગાવી છે ત્યારે રાજ્ય સરકારને ડર એ સતાવી રહ્યો છે કે, જો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાય તો લોકોની મોટી ભીડ ઉમટી શકે છે, જેના કારણે ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધી શકે છે.
આ ઉપરાંત વિદેશમાં ય કોરોનાના કેસો વધ્યાં છે, જેના કારણે વિદેશથી પતંગબાજો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવવા તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 50થી વધુ દેશોમાંથી પતંગબાજો ગુજરાત આવે છે. તેમાં બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે ત્યારબાદ તો લોકોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે, પરિણામે આ વર્ષે પતંગોત્સવ રદ કરાયો છે.