અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે વગર મંજૂરીએ શુક્રવારે 17 યુગલ માટે સમૂહ લગ્ન યોજાતાં પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે અચાનક કાર્યવાહીની શરૂઆત કરતાં લગ્નસ્થળે લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી તથા વરરાજા કન્યા સહિત તમામ જાનૈયા લગ્ન સ્થળેથી પોતપોતાના ગામ ભણી રવાના થતાં તમામ લગ્ન બંધ રહ્યા હતા.
પોલીસ દોડી આવતાં 17 જાન લીલાતોરણેથી પાછી ફરી હતી. કટલાંક યુગલોએ ઘરે જ ફેરા ફરી લગ્ન વિધી સંપન્ન કરી હોવાના અહેવાલ મળ્યાં હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરેલી નજીક આવેલ ચાંદગઢ ગામે કોળી એકતા દળ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજકે કોરોના કાળમાં સમૂહ લગ્નની મંજૂરી લીધી ન હતી અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેનાથી કોરોના સંબંધિત નિયમોનું ઉલ્લંઘન થયું હતું.
સમૂહલગ્નમાં જાનૈયા અને માંડવિયા બંને પક્ષોના થઈ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. જોકે પોલીસ આવતાં જ સમૂહલગ્ન અટકાવવામાં આવ્યાં હતાં, આથી હજારોની સંખ્યામાં આવેલા લોકોની રસોઈ રઝળી પડી હતી. સમૂહલગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઊડ્યા હતા તેમજ મોટા ભાગના લોકો માસ્ક પહેર્યાં વગર જ જોવા મળ્યા હતા. આ રીતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય અને કોરોના સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે.