કોરોના મહામારીને કારણે મહારાષ્ટ્ર બાદ હવે રાજસ્થાન અને કર્ણાટકમાં પણ નવા વર્ષ નિમિતે યોજાતી પાર્ટીઓ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ત્રણેય રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લાગેલો રહેશે. મહારાષ્ટ્રમાં મંગળવારથી જ નાઈટ કર્ફ્યૂ લાગૂ છે. કર્ણાટકમાં બુધવાર રાત્રે 10 વાગ્યાથી લાગું થયો હતો. રાજસ્થાનમાં 31 ડિસેમ્બરની રાત્રીથી 1લી જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધી બધુ જ બંધ રહેશે.
રાજસ્થાન સરકારે કહ્યું છે કે 31મી ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી 1લી જાન્યુઆરી સવારે 6 વાગ્યા સુધી રાજ્યના તમામ મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગેલો રહેશે. આ કર્ફ્યૂ રાજ્યના તમામ નગર, નગર પાલિકા, તથા એક લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં લાગશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ હોટેલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ફાર્મ હાઉસ પર કોઈ જ પ્રકારના કાર્યક્રમો કે પાર્ટીનું આયોજન કરી શકાશે નહીં. આતશબાજી કરવા તથા ફટાકડાનું વેચાણ કરવા પર પ્રતિબંધ રહેશે.
બીજી બાજુ કર્ણાટકના મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે બુધવારની રાત્રીથી 2 જાન્યુઆરી સુધી જારી રહેશે. ત્યારબાદ સ્થિતિનું મૂલ્યાંકન કરીને ત્યારપછીનો નિર્ણય લેવામાં આવશે. નાઈટ કર્ફ્યૂ રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.