જમ્મુ કાશ્મીરની જિલ્લા વિકાસ કાઉન્સિલ (ડીડીસી)ની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક સફળતા મળી હતી. બુધવારે જિલ્લા વિકાસ પરિષદની 278 બેઠકોની ચૂંટણીના રિઝલ્ટ જાહેર થયા હતા. આમાંથી પીપલ્સ એલાયન્સ ઓફ ગુપકાર ડિક્લેરેશનનો 110 બેઠકો પર વિજય થયો હતો, જ્યારે 75 બેઠકો જીતીને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો. ભારતનો સૌથી વધુ મતહિસ્સો પણ મળ્યો હતો.
નોર્થ કાશ્મીરના બંદોપાર અને કુપવાડા જિલ્લાના બે બેઠકોની રિઝલ્ટ હજું આવ્યા નથી. જિલ્લા વિકાસ પરિષદની કુલ 280 બેઠકો માટે મંગળવારે મતગણતરી ચાલુ થઈ હતી. આ બેઠકો પર 28 નવેમ્બરથી 19 ડિસેમ્બર દરમિયાન શાંતિપૂર્ણ મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરીને તેનો વિશેષાધિકાર નાબૂદ કરવામાં આવ્યા બાદ આ પ્રથમ લોકતાંત્રિક ચૂંટણી હતી.
ભાજપ અને ગુપકાર ગઠબંધન ઉપરાંત અપક્ષોનો 50 બેઠકો પર અને કોંગ્રેસનો 26 બેઠકો પર વિજય થયો હતો. ભાજપ માટે સારી વાત એ છે કે પક્ષે 3 સીટ સાથે પહેલીવાર કાશ્મીરમાં એનું ખાતું ખોલ્યું હતું. ડીડીસી ચૂંટણીનાં પરિણામો અનુમાન પ્રમાણેનાં જ રહ્યાં છે. જમ્મુ વિસ્તારમાં ભાજપ મજબૂત છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ, પીડીપી જેવી સ્થાનિક પાર્ટીઓએ ગુપકાર ગઠબંધન કરીને કાશ્મીર વેલી અને જમ્મુના પીર પંજાબમાં સારી સીટો મેળવી છે.
ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે શ્રીનગરથી ભાજપના ત્રણ ઉમેદવારને જીત મળી છે. તે સાબિત કરે છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને કેન્દ્ર શાસિત રાજ્યના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ પર વિશ્વાસ છે.જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં પહેલીવાર 6 સ્થાનિક મુખ્ય પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી છે. આર્ટિકલ 370 નાબૂદ થયા પછી આ પાર્ટીઓએ સાથે મળીને ગુપકાર અલાયન્સ બનાવ્યું છે. આ અલાયન્સમાં ડૉ. ફારુક અબ્દુલાની અધ્યક્ષતાવાળી નેશનલ કોન્ફરન્સ, મહેબૂબા મુફ્તિની આગેવાનીવાળી પીડીપી ઉપરાંત સજ્જાદ ગની લોનની પીપલ્સ કોન્ફરન્સ, અવામી નેશનલ કોન્ફરન્સ, જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને માકપાની સ્થાનિક પાર્ટી સામેલ છે