ટીવી ક્વીન તથા પ્રોડ્યૂસર એકતા કપૂરે સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરી છે. આ તસવીરથી 45 વર્ષીય એકતા કપૂરની લગ્નની ચર્ચા થવા લાગી છે. તસવીરમાં એકતા કપૂર પોતાના મિત્ર તનવીર બુકવાલાની સાથે જોવા મળે છે. આ તસવીર શૅર કરીને એકતાએ કહ્યું, ‘અને અમે અહીંયા છીએ. ટૂંકમાં જ તમને બધું જ કહીશું.’
એકતાએ શૅર કરેલી આ તસવીર પર તનવીરે કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘આ મિત્રતાને સંબંધોમાં બદલવાનો સમય આવી ગયો છે.’ તનવીરે પણ આ જ તસવીર શૅર કરી છે. તનવીરના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એકતાની ઘણી તસવીરો છે. બંનેનું બોન્ડિંગ જોઈને ચર્ચા છે કે બંને લગ્ન કરવાના છે. જોકે, અત્યાર સુધી બંનેમાંથી કોઈએ પોતાના સંબંધો અંગે કોઈ ઓફિશિયલ વાત કરી નથી.
તનવીર ઓથર છે અને ડિંગ એન્ટરટેઈનમેન્ટનો ફાઉન્ડર છે. એકતાની સાથે તેણે વેબ શો ‘ફિતરત’ માટે કોલાબેરેટ કર્યું હતું. 2019માં શોના લોન્ચિંગ પર એકતાએ પોતાના અંગત જીવન અંગે કહ્યું હતું કે તે જ્યાં છે, તે ત્યાં ખુશ છે અને તેને એ વાત ખબર નથી પડતી કે ખુશ રહેવા માટે લોકો લગ્ન પર કેમ આધારિત થઈ જાય છે.
એકતાએ એમ કહ્યું હતું કે લોકો તેને સલાહ આપે છે કે કરિયર તો ઠીક છે, પરંતુ હવે લગ્ન કરી લે, જેથી ખુશ રહે. એકતાએ કહ્યું હતું કે તે ખુશ રહેવા માટે અન્ય કોઈ વ્યક્તિ પર નિર્ભર રહી શકે નહીં. જો કોઈને જીવનમાં લાવવો છે તો તે માત્ર તેનો જ નિર્ણય હશે.