બ્રિટનના નવા પ્રકારના કોરોનાવાઇરસે ભારત સહિત વૈશ્વિક શેરબજારો અને કોમોડિટી માર્કેટમાં સોમવારે હાહાકાર મચાવ્યો હતો. ભારે વેચવાલીને પગલે ભારતમાં બીએસઇનો સેન્સેક્સ 1,407 પોઇન્ટ્સ અથવા ત્રણ ટકાના કડાકા સાથે 45,553.96 પોઇન્ટ્સ આવ્યો હતો. એનએસઇનો નિફ્ટી પણ 432.15 પોઇન્ટ્સ અથવા 3.14 ટકા ગબડીને 13,328.40 પોઇન્ટ્સે બંધ આવ્યો હતો. સેન્સેક્સના તમામ શેરોમાં ભારે ધોવાણ થયું હતું. તેનાથી એક દિવસમાં રોકાણકારોની રૂ.7 ટ્રિલિયનની સંપત્તિનું ધોવાણ થયું હતું.
અમેરિકામાં સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થયું હોવા છતાં સોમવારની સવારે શેરબજારનો મુખ્ય સૂચકાંક ડાઉ ફ્યુચર્સ 500 પોઇન્ટ્સના તીવ્ર ઘટાડા સાથે ટ્રેડ થયો હતો. જર્મની, ફ્રાન્સ, ઇટલી સહિતના યુરોપના શેરબજારોમાં 3.23 ટકા સુધી ધોવાણ થયું હતું.
બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 5.39 ટકા તૂટીને બેરલદીઠ 49.49 ડોલરે ટ્રેડ થતો હતો. જોકે સેફ હેવન ગણાતા સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ.496 ઉછળીને રૂ.50,297એ બંધ આવ્યા હતા. અમેરિકાના ડોલર સામે ભારતનો રૂપિયો 17 પૈસા તૂટીને 73.73એ બંધ આવ્યો હતો. ડોલર સામે બ્રિટનનો પાઉન્ડ પણ 1.2 ટકા ગબડ્યો હતો.