દિલ્હીમાં ખેડૂતોના આંદોલનમાં ભાગ લેવા જતાં અટકાવવા માટે ગુજરાતના કેટલાંક ખેડૂતો આગેવાનોને સરકારે રવિવારે નજરકેદ કર્યા હતા. દિલ્હીમાં ખેડૂતોના આંદોલનમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી પણ ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યાં છે. અત્યાર સુધી 600થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચી ચૂક્યાં છે. તેનાથી રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે અને સરકાર ખેડૂત નેતાઓને દિલ્હી જતાં રોકવા માટે વિવિધ પગલાં લઈ રહી છે.
ખેડૂત નેતાઓનો આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને વિરોધ કરવાનો હક હોવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું હોવા છતાં ગુજરાત પોલીસ ખેડૂતો પર જોરજુલમ કરી રહી છે. ભાજપની રેલીઓને કોઇ રોકટોક કરનાર નથી, પરંતુ ખેડૂતોને પોતાના હક માટે વિરોધ કરવાની ય મંજૂરી અપાતી નથી.
રવિવારે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં શહીદ કિસાનનો શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમ પણ યોજાયા હતાં. સુરતમાં હીરાબજારમાં આંદોલનના સમર્થનમાં ઉપવાસ પર બેઠેલાં કેતનભાઇ વાણિયાની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત જેતપુરના ખેડૂત આગેવાન ચેતન ગઢિયાને છેલ્લા દસેક દિવસથી તેમના ઘરમાં જ પોલીસે નજરકેદ કર્યા હોવાનું માનવામાં આવે છે. ભાવનગરમાં ખેડૂત એકતા મંચના કન્વિનર ભરતસિંહ વાળાને નજરકેદ કરાયા હોવાનું માનવામાં આવે છે.