પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલાં મમતા બેનરજીના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાંથી ભાજપમાં મોટા પાયે હિજરત ચાલુ થઈ છે. તૃણમૂલ કોંગ્રેસના હેવીવેઈટ નેતા સુવેન્દુ અધિકારી શનિવારે ભાજપમાં જોડાઈ ગયા હતા. બંગાળના મિદનાપોરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના નેતા અમિત શાહની હાજરીમાં સુવેન્દુ અધિકારીએ ભગવો ખેંચ પહેર્યો હતો. આ પ્રસંગે સુવેન્દુ સહિત તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરીઓ અને કોંગ્રેસના કુલ ૧૦ જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનરજી પછી સુવેન્દુ સૌથી વધુ જનાધાર ધરાવતા નેતા હોવાનું માનવામાં આવે છે.
સુવેન્દુ અધિકારી ઉપરાંત વર્ધમાન પૂર્વના તૃણમૂલ સાંસદ સુનીલ માંડલ, અલીપુરદ્વારના ભૂતપૂર્વ સાંસદ દશરથ તિર્કી અને મમતા સરકારના ભૂતપૂર્વ મંત્રી શ્યામાપ્રસાદ મુખરજી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાનારા ધારાસભ્યોમાં સાત તૃણમૂલના, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા)ના એક-એક તથા કોંગ્રેસના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૫ કાઉન્સેલર, ૪૫ ચેરમેન અને જિલ્લા પંચાયતના બે અધ્યક્ષ પણ ભગવા ઝંડાની શરણમાં આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે પક્ષમાં બધાનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ, સીપીએમના સારા લોકો આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કામ કરવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે.
સુવેન્દુ અધિકારીનું ભાજપમાં જોડાવું તૃણમૂલ અધ્યક્ષ મમતા બેનરજી માટે મોટા ફટકા સમાન છે. સુવેન્દુ નંદીગ્રામ આંદોલનના પોસ્ટર બોય હતા. આ નંદીગ્રામ આંદોલને મમતા બેનરજીને ૨૦૧૧માં બંગાળની સત્તા પર બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તૃણમૂલના નેતૃત્વથી નારાજ પૂર્વ મિદનાપોર જિલ્લાના નંદીગ્રામના ધારાસભ્ય સુવેન્દુએ ગયા મહિને ૨૭મી નવેમ્બરે રાજ્ય પ્રધાનમંડળમાંથી રાજીનામુ આપી દીધું હતું. ત્યાર પછી આ સપ્તાહે બુધવારે તેમણે ધારાસભ્યપદેથી પણ રાજીનામુ આપી દીધું હતું. તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનરજી પછી સુવેન્દુ સૌથી વધુ જનાધાર ધરાવતા નેતા મનાતા હતા. સુવેન્દુના પિતા અને ભાઈ પણ પૂર્વ મિદનાપોરના કાંથી અને તમલૂકથી સાંસદ છે. અધિકારી પરિવારનો પૂર્વ મિદનાપોર અને આજુબાજુના છ જિલ્લામાં ઓછામાં ઓછી ૬૦-૬૫ વિધાનસભા બેઠકો પર પ્રભાવ છે.