ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે તથા ટી-20માં થોડો સંતોષકારક દેખાવ કર્યા પછી ટેસ્ટ સીરીઝના આરંભે જ ગયા સપ્તાહે એડિલેઈડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં, ડે-નાઈટ મેચમાં પહેલી ઈનિંગમાં નોંધપાત્ર સરસાઈ લીધા પછી બીજી ઈનિંગમાં બેટિંગમાં ધબડકો વાળી નામોશીજનક પરાજ્ય વહોર્યો હતો અને ફક્ત 36 રનમાં ઓલઆઉટનો ટેસ્ટ મેચની એક ઈનિંગમાં સૌથી ઓછા સ્કોરનો નવો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો 8 વિકેટે વિજય થયો હતો, તેણે 93 રનનો વિજયનો ટાર્ગેટ બે વિકેટ ગુમાવી ફક્ત 21 ઓવર્સમાં જ હાંસલ કર્યો હતો.
ગુરૂવારે (17 ડીસેમ્બર) કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ નિર્ણય પણ ખાસ કારગત નિવડ્યો નહોતો અને ભારતની શરૂઆત તો ખરાબ જ રહી હતી. ફક્ત 32 રનમાં તો બન્ને ઓપનર્સ પેવેલિયન ભેગા થઈ ગયા હતા, પણ એ પછી પુજારા સાથે આવેલા કોહલીએ થોડી ટક્કર લઈ ટીમને 100 રન સુધી પહોંચાડી હતી. કોહલી (74) કમનસીબે રનઆઉટ થયો હતો, છતાં અડધી સદી કરનારો તે એકમાત્ર ભારતીય બેટ્સમેન રહ્યો હતો. જો કે, પુજારા (43) અને ઉપસુકાની અજિંક્ય રહાણેએ (42) પણ ઉપયોગી ફાળો આપ્યો હતો. એકંદરે, ટીમ 244 રન સુધી પહોંચી શકી હતી. એ પછી ભારતીય બોલર્સે તરખાટ મચાવી ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગમાં ફક્ત 191 રનમાં ઓલાઉટ કરી દઈ 53 રનની મહત્ત્વની સરસાઈ મેળવી હતી. ભારત વતી ઓફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ચાર, ઝડપી બોલર ઉમેશ યાદવે 3 અને જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી વિકેટકીપર ટીમ પેઈને અણનમ 73 કર્યા હતા, તો લબુશેને 47 રન કર્યા હતા..એ પછી, બીજી ઈનિંગમાં ભારતે ઐતિહાસિક ધબડકો વાળ્યો હતો અને ફક્ત 36 રનમાં, 21.2 ઓવર્સમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમનો એકપણ બેટ્સમેન બે આંકડાનો સ્કોર કરી શક્યો નહોતો અને પરાજય પછી સુકાની કોહલી ખૂબજ નારાજ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે પાંચ અને પેટ કમિન્સે ચાર વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં ઓપનર જો બર્ન્સે અણનમ 51 કર્યા હતા, તો અશ્વિને એક વિકેટ લીધી હતી, જ્યારે ઓપનર મેથ્યુ વેડ રનાઉટ થયો હતો.