‘અમદાવાદ સહિત પાંચ મહાનગરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખની રવિવારે મુદત પૂરી હતી. તેનાથી આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરના હાથમાં સત્તા સોંપવામાં આવી છે. જોકે, મ્યુનિ. કમિશનર રૂટિન કામગીરી જ કરી શકશે. નીતિ વિષયક કોઇ નિર્ણય લઇ શકશે નહીં.
કોરોનાની મહામારીને કારણે મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ ત્રણ માસ પાછળ ધકેલવી પડી હતી. રાજ્ય ચૂંટણી પંચે નવેમ્બર માસમાં ચૂંટણીઓ યોજવા આયોજન કર્યુ હતું. 13મી ડિસેમ્બરે અમદાવાદ, રાજકોટ , સુરત, વડોદરા , ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થઈ હતી. મુદત પૂર્ણ થતાં રાજ્ય સરકારે આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરને સત્તા સોંપી છે.
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે એવો આદેશ કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી યોજાયા પછી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી કમિશનરોએ વહીવટી વડા તરીકે કામગીરી સંભાળવાની રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 14મી ડિસેમ્બર 2015માં બોર્ડ અસ્તિત્વમાં આવ્યુ હતું. મ્યુનિ.કોર્પોરેશનની મુદત પૂર્ણ થતાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો ફરી ટિકીટ મેળવવા લોબિંગ શરૂ કર્યુ છે અને પક્ષના કાર્યાલય પર આંટાફેરા શરૂ કર્યાં છે. રાજય ચૂંટણીપંચની તૈયારીઓને જોતાં જાન્યુઆરીમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થઇ શકે છે. ફેબુ્આરીની બીજા સપ્તાહમાં ચૂંટણીઓ યોજાય તેવી પુરેપુરી શક્યતા છે.