ભારતમાં કૃષિ કાયદાનાં વિરુદ્ધમાં આંદોલન કરતાં ખેડૂતોને સમર્થન આપવા અમેરિકાના વોશિંગ્ટનમાં દેખાવકારો એકઠા થયા હતા અને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કર્યું હતું. ઇન્ડિયન એમ્બેસીએ આક્ષેપ કર્યો હતો કે મહાત્મા ગાંધીજીની પ્રતિમાની તોડફોડમાં ખાલિસ્તાની તત્વો સામેલ થયા હતા, કારણ કે તેમણે ખાલિસ્તાનના ઝંડા ફરકાવ્યા હતા.
આ આંદોલનની આડમાં ખાલિસ્તાનની માંગણી કરનારા દેશદ્રોહી તત્વો પોતાની માંગણી બુલંદ કરી રહ્યા છે. અમેરિકામાં પણ ખેડૂત આંદોલનના સમર્થનના બહાને ભારતીય દૂતાવાસની બહાર દેખાવો થયા હતા અને કેટલાક તોફાની તત્વોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાની તોડફોડ કરી હતી.
અમેરિકામાં વિવિધ જગ્યાએ રહેતા શીખોએ આ પહેલા વોશિંગ્ટનમાં ભેગા થઈને એક રેલી યોજી હતી, જે ભારતીય દૂતાવાસ સુધી પહોંચી હતી. આ દરમિયાન ભારત વિરોધી બેનરો અને પોસ્ટરો દર્શાવાયા હતા અને ખાલીસ્તાના ઝંડા પણ ફરકાવાયા હતા.
ગાંધીજીની પ્રતિમા પાસે આવેલા દેખાવકારોએ પ્રતિમા પર એક પોસ્ટર ચોંટાડી દીધુ હતુ.આ જૂથ દ્વારા ભારત વિરોધી સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.દરમિયાન ભારતીય દૂતાવાસે આ દેખાવોને ગુંડાગીરી ગણાવી છે અને ભારતીય દૂતાવાસને રક્ષણ નહીં આપવા બદલ અમેરિકાના વિદેશ મંત્રાલય સમક્ષ મુદ્દો ઉઠાવ્યો હતો.