વૈશ્વિક સોવરિન વેલ્થ ફંડ્સને ખાનગી ક્ષેત્રમાં આકર્ષવામાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. રોકાણના આ આંકડાઓ ભારત પ્રત્યે આવા ફંડોનું વધતું આકર્ષણ દર્શાવે છે. આશરે 400 સોવરિન વેલ્થ ફંડ્સ પર ટ્રેક રાખતી ન્યૂયોર્ક સ્થિત ગ્લોબલ SWFના ડેટા અનુસાર વર્ષ 2020માં અત્યાર સુધીમાં આવા ફંડ્સે ભારતમાં 14.8 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. આની સામે વૈશ્વિક સોવરિન વેલ્થ ફંડ્સે ચીનમાં 4.5 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આમ ભારતમાં ચીન કરતાં ત્રણ ગણું વધુ રોકાણ આવ્યું છે.
આ વર્ષે રોકાણ કરવામાં આવેલી રકમમાં અંતર વધી ગયું, પરંતુ આ સિલસિલો 2019માં શરૂ થયો હતો જ્યારે સોવરેન વેલ્થ ફંડોએ ભારતમાં 10.1 બિલિયન ડોલર રોકાણ કર્યું હતું, જ્યારે ચીનમાં તેનું રોકાણ 6.4 બિલિયન ડોલર રહ્યું હતું.
2015થી 2018ની વચ્ચે સોવરિન વેલ્થ ફંડ્સનું રોકાણ આકર્ષવામાં ચીન ભારત કરતા આગળ હતું. સોવરિન ફંડ્સે આ ગાળામાં ચીનમાં 46 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું, જ્યારે ભારતમાં માત્ર 24.6 બિલિયન ડોલરનું જ રોકાણ કર્યું હતું. આ વખતે ચીનનું આકર્ષણ ઘટવાનું મુખ્ય કારણ અમેરિકા સાથે ચીનનું વેપારયુદ્ધ છે.
બીજી બાજુ કોવિડ -19 મહામારીની સમસ્યા હોવા ભારત લાંબા ગાળા માટે આ ફંડોનું પ્રિય રહ્યું છે. બીજી સારી વાત એ છે કે, પશ્ચિમ એશિયાના સોવરેન વેલ્થ ફંડ્સે પણ ભારત માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. વીસીસીએઝ અનુસાર, વર્ષ 2020માં ટોચના સોવરેન વેલ્થ ફંડે કુલ 14 સોદા દ્વારા ભારતમાં અત્યાર સુધીમાં 7.38 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.