વિશ્વની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોન ભારતના ઝડપથી વિકસતા જતાં ઇ-ફાર્મસી બિઝનેસમાં પ્રવેશ કરવા સજ્જ બની છે. આ સેક્ટરમાં તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા ગ્રૂપના સ્પર્ધા કરશે. એમેઝોન ઇન્ક ભારતની ફાર્મસી ચેઈન એપોલો ફાર્મસી આશરે 100 મિલિયન ડોલરના રોકાણ પર વિચાર કરી રહી છે, એમ સૂત્રોને ટાંકીને વિવિધ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. જોકે, એમેઝોન અને એપોલો ફાર્મસીએ ડિલ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
એમેઝોન હાલમાં ભારતમાં દવાઓની ડિલિવરી કરે છે અને આ સંભવિત રોકાણ મુકેશ અંબાણીની રિલાયન્સ સાથે વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. રિલાયન્સે ઓનલાઇન ફાર્મસી નેટમેડ્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો હતો. આ ઉપરાંત ટાટા ગ્રુપ તાજેતરમાં જ ઇ-ફાર્મસી ફર્મ 1mgમાં હિસ્સો ખરીદવા ચર્ચા કરી રહ્યું છે.
ઇ-ફાર્મસીઓનાં વિકાસથી ઘણાં ભારતીય બિઝનેસ ગ્રુપોને ખતરો પેદા થઈ રહ્યો છે. તેઓ માને છે કે ઓનલાઇન ડ્રગિસ્ટ યોગ્ય ચકાસણી કર્યા વિના ડ્રગનું વેચાણ કરી શકે છે અને મોટી કંપનીઓના આગમનથી આ ક્ષેત્રમાં બેરોજગારી વધી શકે છે. ભારતમાં ફાર્મસીના બિઝનેસમાં પ્રવેશ્યા પછી એમેઝોન યુએસમાં ઓનલાઇન ફાર્મસી ક્ષેત્રમાં પ્રવેશવાની પણ યોજના બનાવી રહ્યું છે. અમેરિકામાં તે વાલ્ગ્રેન, સીવીએસ હેલ્થ અને વોલમાર્ટ જેવા ડ્રગ રિટેલર્સ સાથે સ્પર્ધા કરશે.