ભારતનું અર્થતંત્ર કોરોના મહામારી અને લોકડાઉનથી પડેલા ફટકાથી બેઠી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. વિવિધ એજન્સીઓ સાથે હવે એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબીએ) પણ જીડીપી વૃદ્ધિ અંગેના તેના અંદાજમાં સુધારો કર્યો છે.
એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)એ આજે ગુરુવારે કહ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતના અર્થતંત્રમાં 8 ટકાના ઘટાડાનો અંદાજ છે. અગાઉ એડીબીએ જીડીપી 9 ટકાના ઘટાડાનો અંદાજ જાહેર કર્યો હતો.
એશિયલ ડેલવપમેન્ટ આઉટલૂક (ADO)ની રિપોર્ટમાં ADBએ જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્ર સામાન્ય સ્થિતિ તરફ પરત ફરી રહ્યું છે અને ગયા સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન જીડીપીમાં 7.5 ટકા ઘટાડો થયો હતો, જે અંદાજ કરતાં વધુ સારો છે.
કોરોન વાયરસની મહામારી અને દેશવ્યાપી લોકડાઉનને પગલે ભારતના અર્થતંત્રમાં એપ્રિલથી જૂન 2020ના ત્રિમાસિકગાળા દરમિયાન 23.9 ટકાનો ઐતિહાસિક ધબડકો બોલાયો હતો. અહેવાલમાં જણાવાયુ છે કે, ભારતમાં આર્થિક રિકવરી અપેક્ષા કરતા ઘણી સારી છે અને તેના કારણે દક્ષિણ એશિયામાં જીડીપીમાં 6.8 ટકાના અગાઉ અંદાજની સામે 6.1 ટકા ઘટાડો થવાની ધારણા છે. આ સાથે દક્ષિણ એશિયામાં જીડીપી ગ્રોથ વર્ષ 2021-22માં સુધરીને 7.2 ટકા થશે, જેમાં ભારત નવા વર્ષે 8 ટકાના દરે વૃદ્ધિ દર્શાવી શકે છે.