ભારતમાં મોદી સરકાર અને ખેડૂતો વચ્ચેનો નવા કૃષિ કાયદાઓનો વિવાદ લાંબા સમયથી અણઉકેલ રહ્યો છે ત્યારે એક તરફ તો ખેડૂતોના આંદોલનને યુકે, અમેરિકા, કેનેડા સહિતના મોખરાના પશ્ચિમી દેશોમાંથી સમર્થન મળી રહ્યું છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી (યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ) એન્ટોનીઓ ગુટેરેસના પ્રવકતા સ્ટેફાને ડુજારિકે પણ કહ્યું હતું કે, લોકશાહીમાં લોકોને શાંતિપૂર્વક રીતે વિરોધ દર્શાવવાનો અધિકાર તો છે અને તેનો આદર થવો જોઈએ. પંજાબથી ખેડૂતોએ ચલો દિલ્હીના એલાન હેઠળ દિલ્હી તરફ કૂચ કરી ત્યારે હરિયાણાની ભાજપ સરકારે તેમને રાજ્યમાં પ્રવેશતા અટકાવવા ભર શિયાળાની ઠંડીમાં વોટર કેનનનો મારો ચલાવ્યો હતો તેમજ લાઠીચાર્જ પણ કર્યો હતો. ખેડૂતો ઉપરના બળપ્રયોગના કારણે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ખેડૂતોનું સમર્થન કરતાં હોવાનું નિવેદન આપતાં આ મામલે આંતરરાષ્ટ્રીય રાજકીય વિવાદ જાગ્યો હતો અને પછી તો તેના પડઘા યુકે, અમેરિકા અને યુએનમાં પણ પડ્યા હતા.
યુકેમાં મુખ્યત્વે વિરોધ પક્ષ લેબર પાર્ટી સહિત તમામ પક્ષોના 36 સંસદ સભ્યોએ યુકે સરકારને આ મામલે દરમિયાન થવા અનુરોધ કર્યો છે, તો રવિવારે ત્યાં ભારતીય હાઈકમિશન સમક્ષ તથા ટ્રફાલગર સ્કવેર ખાતે દેખાવો પણ થયા હતા.
અમેરિકામાં પણ અનેક શહેરોમાં શનિવારે અને રવિવારે લોકોએ ભારતીય ખેડૂતોના સમર્થનમાં દેખાવો કર્યા હતા. કેલિફોર્નિયાના વિવિધ ભાગોમાંથી આવેલા લોકોએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ સમક્ષ દેખાવો કર્યા હતા, તો બે બ્રિજ ઉપર ટ્રાફિક થંભાવી દીધો હતો. ઈન્ડિયાનાપોલિસમાં પણ સેંકડો લોકોએ દેખાવો કર્યા હતા. વોશિંગ્ટન ડીસીમાં રવિવારે ભારતીય એમ્બેસી સમક્ષ એક રેલી કાઢી લોકોએ દેખાવો કર્યા હતા ખેડૂતો નહીં હોય તો અનાજ નહીં મળે તેમજ ખેડૂતોને બચાવો જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
ભારતની ઈન્ટરનેશનલ એક્ટર બની ચૂકેલી એક સમયની મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરા જોનસે પણ ખેડૂતોને ફૂડ સોલ્જર્સ ગણાવી તેમની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપવા અને તેમની માંગણીઓનો ઉકેલ લાવવા સરકારને વિનંતી કરી હતી.