કોરોનાની વેક્સિન ટૂંકસમયમાં આવવાની શક્યતા હોવાથી ગુજરાતના આરોગ્ય વિભાગે 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી નીચેની ઉંમરના લોકો અંગે એક ડેટાબેઝ તૈયાર કરવાની મંગળવારે સૂચના આપી હતી. આ સૂચના મુજબ પહેલી જાન્યુઆરી-2021ની સ્થિતિએપચાસ વર્ષથી વધુ ઉંમરના અને પચાસ વર્ષથી ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા લોકોની અલગ-અલગ યાદી તૈયાર કરવામાં આવશે.
આ અંગેની માહિતી મુજબ આ ડેટા બેઈઝ તૈયાર કરવા માટે 10થી 13 ડિસેમ્બર દરમિયાન મતદાન મથકના વિસ્તાર મુજબ વિવિધ સર્વે ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી વ્યકિતની ઉંમરથી લઈ તેનો મોબાઈલ નંબર સહિત તે જો કોઈ પ્રકારના રોગથી પીડાતો હોય તો એની પણ અલગથી નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. 14થી 16 ડિસેમ્બર સુધીમાં બે અલગ પ્રકારનો ડેટાબેઈઝ તૈયાર કરવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન,કલેકટર હસ્તકના વિસ્તારો માટે રાજયના આરોગ્ય વિભાગ તરફથી કામગીરી કરવાનો આદેશ અપાયો છે.
પચાસ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને પચાસ વર્ષથી ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોના નામ, સરનામા, અને મોબાઈલ નંબર સાથેનો ડેટાબેઝ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. ડેટા બેઈઝ તૈયાર કરાવવા કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરવાનું રહેશે. મ્યુનિ. હદમાં મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરના સંકલનમાં ચૂંટણી સમયે મતદાન મથક મુજબ ટીમની રચના કરવામાં આવે છે.