અમેરિકાના પ્રતિનિધિ ગૃહે મહાત્મા ગાંધી અને માર્ટિન લુથર કિંગ જુનિયરના વારસાને પ્રોત્સાહને આપવાના કાયદાને પસાર કર્યો છે. આ કાયદાથી આ બંને હસ્તીઓના લેખન અને વારસાના અભ્યાસ માટે અમેરિકા અને ભારત વચ્ચે આદાનપ્રદાનનું માળખું સ્થાપિત કરવામાં આવશે.
ગાંધી-કિંગ સ્કોરલી એક્સ્ચેન્જ ઇનિશિયેટિવ એક્ટ હેઠળ અમેરિકાના વિદેશ વિભાગને બંને દેશોના વિદ્રાનો માટે એન્યુઅલ એજ્યુકેશનલ ફોરમની સ્થાપવા કરવાની સત્તા મળી છે. આ ફોરમમાં મહાત્મા ગાંધી અને માર્ટિન લુથર કિંગ જુનિયરના વારસા પર અભ્યાસ કરતાં વિદ્રાનોનો સમાવેશ કરાશે. આ કાયદાનો મુસદ્દો નાગરિક અધિકારો માટે લડતા સ્વર્ગ. જોહન લુઇએ તૈયાર કર્યો હતો અને તેને ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન અમી બેરાએ કો-સ્પોન્સર કર્યો હતો.
આ કાયદા મુજબ એક ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવશે, જે હવામાનમાં ફેરફાર, શિક્ષણ, જાહેર આરોગ્ય જેવા મુદ્દાના ઉકેલ માટે કાર્ય કરશે.
આ કાયદા હેઠળ અહિંસાના સિદ્ધાંતને આધારે વિવાદ નિવારણ માટે પ્રોફેશનલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઇનિશિયેટિવ ચાલુ કરવામાં આવશે. ભારતમાં સામાજિક, પર્યાવરણી અને આરોગ્યના મુદ્દાના ઉકેલ માટે એક ફાઉન્ડેશનની રચના કરશે. ગાંધી-કિંગ સ્કોરલી એક્સ્ચેન્જ ઇનિશિયેટિવ માટે 2025ના નાણાકીય વર્ષ સુધી દર વર્ષે એક મિલિયન ડોલરની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગાંધી કિંગ ગ્લોબલ એકેડમી માટે 2021ના નાણાકીય વર્ષ માટે બે મિલિયન ડોલર તથા યુએસ ઇન્ડિયા ગાંધી કિંગ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન માટે 2021 માટે 30 મિલિયન ડોલરની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલથી પાંચ વર્ષમાં 51 મિલિયન ડોલરના ખર્ચનો અંદાજ છે.