બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન દ્વારા તા. 9થી 13 નવેમ્બર 2020 એટલે કે દિવાળી દરમિયાન ફેલિક્સ પ્રોજેક્ટ સાથે ભાગીદારી કરી લંડનમાં રહેતા ભૂખ અને કુપોષણનુ જોખમ ધરાવતા 40,000થી વધુ લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું હતું.
જે વેચી શકાતું નથી તેવું તાજું અને પૌષ્ટિક ભોજન ફેલિક્સ પ્રોજેક્ટ એકત્રિત કરે છે અને આ વધારાનું ખોરાક ચેરિટીઝ અને શાળાઓને પહોંચાડે છે. જેથી તેઓ પોષક ભોજન લોકોને આપી શકે અને લોકોને લંડનમાં ભૂખ અને કુપોષણના જોખમમાં સૌથી વધુ મદદ કરી શકે.
‘પ્રકાશના પર્વ દિવાળી પ્રસંગે ભગવાનને અર્પણ કરવા તૈયાર કરવામાં આવેલી વાનગીઓ અને ભોજન ભક્તો દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવે છે. નીસડન મંદિર દ્વારા આ માટેનો સંદેશો 50,000થી વધુ ઘરો સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને રૂરિયાતમંદોને ટેકો આપવા માટે આ અભિયાન વિશે વધુ જાગૃતિ લાવવામાં આવી હતી.
દિવાળીની સદ્ભાવના અને ધર્માદાની પરંપરાઓને ધ્યાનમાં રાખીને લંડનનાં ઘણાં વ્યક્તિઓ અને પરિવારોએ ખૂબ જરૂરી ખોરાક પૂરો પાડ્યો હતો. જે ભોજન ખાસ કરીને રોગચાળાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને પહોંચાડવામાં આવ્યુ હતુ. આ વર્ષની શરૂઆતમાં, નીસડન મંદિર દ્વારા રોગચાળાના પ્રતિસાદ રૂપે તેના હોલિસ્ટીક આઉટરીચ પ્રોગ્રામના ભાગ રૂપે ફેલિક્સ પ્રોજેક્ટને ખોરાક પૂરો પાડ્યો હતો.
પ. પૂ. મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત નીસડન મંદિર દ્વારા પોતાની વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓના ભાગરૂપે ઘરવિહોણા અને જરૂરિયાતમંદ લોકો માટે વાર્ષિક ધોરણે ખાદ્યપદાર્થો અને વસ્ત્રો એકત્રિત કરીને આપવામાં આવે છે. ફેલિક્સ પ્રોજેક્ટ સાથેના સહયોગથી આ કાર્ય આગળ વધારવામાં આવ્યું હતું અને સમગ્ર રાજધાનીના જરૂરિયાતમંદ લોકો સુધી ખોરાકનો પુરવઠો પહોંચાડવામાં આવ્યો હતો.
નીસડન મંદિરના મુખ્ય સાધુ સ્વામી યોગ વિવેકદાસે જણાવ્યું હતું કે “ઘણા લોકો માટે આ વર્ષનો ખૂબ જ મુશ્કેલ સમય છે અને રોગચાળાની અસરના કારણે તેમના પડકારો ડબલ થયા છે. અમે ફરી એકવાર ફેલિક્સ પ્રોજેક્ટના તેજસ્વી કાર્યને ટેકો આપવા માટે રોમાંચિત થયા છીએ અને લંડનમાં જેમને સૌથી વધુ જરૂર છે તેમને ખોરાક પહોંચાડવામાં સફળ થયા છીએ. આમ કરવાથી દિવાળીની ભાવના અને મૂલ્યો વહેંચાશે.”
ધ ફેલિક્સ પ્રોજેક્ટના સીઈઓ માર્ક કર્ટિને ઉમેર્યું હતું કે “અમને નીસડન મંદિર સાથે ભાગીદારી કરવામાં અને તેમનો ટેકો પ્રાપ્ત કરતા આનંદ થાય છે. અમે શક્ય તેટલા સમુદાયો સાથે લંડનમાં ખરેખર સખત મહેનત કરી રહ્યા છીએ. અમે મંદિરનો આ ભૂમિકા નિભાવવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.”