અગાઉ બેંક ઓફ સાયપ્રસના નામે ઓળખાતી સિનર્જી બેંકના બ્રિટીશ વિભાગે ક્લાઉડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવવા માટે ગૂગલ સાથે એક સોદો કર્યો છે. જે મિક્સ ડિજિટલ અને પર્સનલ બેંકિંગ સેવા પ્રદાન કરવા માટે કામ કરી રહ્યાં છે.
વિશાળ ઇન્ટરનેટ સર્ચ ગ્રૂપ અને સિનર્જી બેંક કહે છે કે તેમની સેવા અન્ય સ્ટાર્ટ-અપ્સ કરતા અલગ હશે કારણ કે તે બેંકિંગ રિલેશનશિપ મેનેજરોની પરંપરાગત દુનિયા સાથે ડેટા અને આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સમાં ગૂગલની કુશળતાને વધારે અસરકારક બનાવશે. નાના ઉદ્યોગોના માલિકો અને વ્યાવસાયિકો માટે બજારમાં એક હાજરી સ્થાપિત કરવા અને વિકસિત કરવાનો તેમનો હેતુ છે.
તેમની વચ્ચેના સોદાની રકમ ખબર પડી નથી પરંતુ આવતા વર્ષે પ્રથમ ત્રણ મહિનામાં તે અમલમાં આવશે. ગૂગલ ભાવિ ભાગીદારીમાં એક હાઇબ્રીડ ટેકનીક અને પર્સનલ બેંકિંગ મૉડલ બનાવવાના અનુભવનો ઉપયોગ કરી શકશે, જ્યારે સિનર્જીને આશા છે કે તે આગામી ત્રણ વર્ષમાં તેના 80,000 ગ્રાહકોને 3થી 5 લાખ સુધી કરી શકશે.
સિનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ નિક ફાહીએ જણાવ્યું હતું કે ‘’આ ટેકનીકથી વધુ સારી પ્રોસેસ અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ગ્રાહકો સાથે 70 ટકાથી 80 ટકા સમય ફાળવી શકશે. ગૂગલની ક્લાઉડ સેવાનો ઉપયોગ એચએસબીસી, લોઇડ્સ, સ્ટર્લિંગ અને મોંઝો સહિતની બેંકો દ્વારા કરવામાં આવે છે.