રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ નવી ડિજિટલ બિઝનેસ પ્રવૃત્તિ ચાલુ ન કરવા અને નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ ન કરવા માટે એચડીએફસી બેન્કને બુધવારે આદેશ આપ્યો હતો. બેન્કની ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સર્વિસિસમાં વારંવાર આઉટેજને પગલે રિઝર્વ બેન્કે આ તાકીદ કરી છે. આ ક્ષતિઓની તપાસ કરવા અને જવાબદાર નક્કી કરવા માટે પણ બેન્કના બોર્ડને આદેશ આપવામાં આવ્યો છે. જો કે આ પ્રતિબંધ કાયમી નથી.
દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્કે બુધવારે શેરબજારોને માહિતી આપી હતી કે રિઝર્વ બેન્કે બે ડિસેમ્બરે આ આદેશ આપ્યો હતો અને તેનું કારણ છેલ્લાં બે વર્ષમાં બેન્કની ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, પેમેન્ટ યુટિલિટીમાં આઉટેજ છે. બેન્કના ડિજિટલ વ્યવહારમાં તાજેતરમાં 21 નવેમ્બરે ક્ષતિ ઊભી થઈ હતી અને ઘણા ગ્રાહકો ડિજિટલ બેન્કિગનો ઉપયોગ કરી શક્યા ન હતા. બેન્કે તે માટે તેના પ્રાયમરી ડેટા સેન્ટરમાં વીજ સપ્લાયમાં ખામીને જવાબદાર ગણાવી હતી. છેલ્લાં બે વર્ષમાં રિઝર્વ બેંકે HDFC બેંક પર આ ત્રીજી વાર પ્રતિબંધ લાદ્યો હતો. એને કારણે HDFC બેંકને આંચકો લાગ્યો હતો.