અમેરિકામાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણા કરી રહ્યો છે. બુધવારે કોરાનાથી અમેરિકામાં 2,700થી વધુ વ્યક્તિના મોત થયા હતા, જે એપ્રિલ પછી સૌથી વધુ દૈનિક મોત છે. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વિક્રમજનક સ્તરે પહોંચી છે. બુધવારે સૌપ્રથમ વખત હોસ્પિટલાઇઝ્ડ દર્દીની સંખ્યા એક લાખને વટાવી ગઈ હતી.
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર અમેરિકામાં બુધવારે 2,731 વ્યક્તિના મોત થયા હતા. તેનાથી મહામારીનો કુલ મૃત્યુઆંક વધીને 2,73,181 થયો હતો. છેલ્લાં 24 કલાકમાં 195,121 નવા કેસ પણ નોંધાયા હતા.
કોવિડ ટ્રેકિંગ પ્રોજેક્ટના જણાવ્યા અનુસાર બુધવારે અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધીને 100,226 થઈ હતી.
અમેરિકા ફેબ્રુઆરી સુધીમાં આશરે 100 મિલિયન લોકોને વેક્સિન આપવાની યોજના ધરાવે છે. ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં ફાઇઝર અને મોડર્નાની વેક્સિનની મંજૂરી મળ્યા બાદ વેક્સિનેશન ચાલુ કરવામાં આવશે. અમેરિકાને ફેબ્રુઆરીના અંત સુધીમાં 100 મિલિયન લોકોને વેક્સિન આપવાની યોજના ધરાવે છે, જે કુલ પુખ્ત વસતીના 40 ટકા છે.