ટોચના ફિલ્મ સ્ટાર્સમાં મોટાભાગના ફિલ્મોમાં હવે નિશ્ચિત ફી લેવાને બદલે તેના નફામાં ભાગ રાખવાનું વલણ વધ્યું છે. અગાઉ પ્રથા અપનાવનાર અભિનેતાઓમાં સલમાન ખાન, અક્ષયકુમાર અને આમિર ખાનનું નામ હતું. હવે તેમાં શાહરૂખ ખાનનું નામ પણ જોડાયું છે. જોકે, શાહરૂખની છેલ્લે આવેલી ફિલ્મ ‘ઝીરો’ને દર્શકોએ પસંદ કરી નહોતી. પરંતુ તેનો સફળતાનો આંકો ઉંચો હોવાથી તેણે પણ હવે ફિલ્મની ફી લેવાને બદલે તેના નફામાં ભાગ લેવાનું શરૂ કર્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શાહરૂખે પોતાની નવી ફિલ્મ પઠાનની વાર્તા સાંભળીને ફિલ્મના નફામાં પોતાના હિસ્સાની ડીલ કરી છે. મીડિયા રિપોર્ટસના અનુસાર દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમે પણ ફિલ્મ માટે કરોડોની ફી લીધી છે. જ્યારે શાહરૂખ ખાન ફિલ્મના નફામાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. જે અંગે પઠાનના નિર્માતા યશ રાજ બેનર સાથે શાહરૂખની ડીલ લગભગ પૂરી થઇ ગઇ છે.
શાહરૂખે ફિલ્મની ફીના બદલે ફિલ્મની કમાણીમાં ૪૫ ટકાથી વધુ નફો લેવાની ડીલ કરી છે. રીપોર્ટ અનુસાર, શાહરૂખ અને આદિત્યનો સંબંધ જુનો છે. તેમને વચ્ચે ક્યારેય ફી અંગે કોઇ કરાર થતા નથી. જોકે, એમ પણ કહેવામાં આવ્યું છે કે, શાહરૂખ યશરાજ ફિલ્મસના નફામાં હિસ્સો લેતો રહ્યો છે.