રશિયાના સોવરિન વેલ્થ ફંડ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને ભારતના ફાર્મા ગ્રૂપ હેટરોએ કોરોના વાઇરસ માટેની વેક્સિન સ્પુટનિક-Vના વાર્ષિક 100 મિલિયન ડોઝનું ભારતમાં ઉત્પાદન કરવા માટે સમજૂતી કરી છે, એમ હેટરોએ શુક્રવારે જણાવ્યું હતું. 2021ના પ્રારંભમાં વેક્સિનનું ઉત્પાદન ચાલુ થશે.
રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના CEO કિરિલ દિમિત્રિવે જણાવ્યું હતું કે, આ કરારથી ભારતમાં સુરક્ષિત અને અસરકારક સ્પુટનિક-V વેક્સિનના ઉત્પાદન માટેનો માર્ગ ખુલશે. રસીના આંતરિક ક્લિનિકલ ટ્રાયલના પરિણામો પ્રથમ ડોઝના 42 દિવસ બાદ 95 ટકા અસરકારકતા દર્શાવે છે. હેટરો સાથેના જોડાણથી અમે ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવા સક્ષમ બનીશું તેમજ ભારતના લોકોને મહામારીના પડકારજનક સમયમાં અસરકારક ઉકેલ આપી શકીશું.
હેટરો લેબ્સ લિમિટેડના ઇન્ટરનેશનલ માર્કેટિંગના ડાયરેક્ટર બી મુરલી ક્રિષ્ના રેડ્ડીએ જણાવ્યું હતું કે, અમે કોવિડ-19ની સારવાર માટે અપેક્ષિત સ્પુટનિક-Vના ભારતમાં ક્લિનિકલ ટ્રાયલના પરિણામોની રાહ જોઇ રહ્યાં છીએ અમારું માનવું છે કે દર્દીઓ માટે સરળ ઉપલબ્ધતા માટે સ્થાનિક સ્તરે પ્રોડક્ટનું ઉત્પાદન જરૂરી છે. આ સહયોગ કોવિડ-19 સામેની લડાઇની દિશામાં અમારી કટીબદ્ધતાનું વધુ એક કદમ છે
હાલમાં ત્રીજા તબક્કાના પરિક્ષણોને મંજૂરી મળી છે અને તે બેલારુસ, યુએઇ, વેનેઝુએલા અને અન્ય દેશોમાં ચાલી રહી છે તેમજ ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણો ચાલી રહ્યાં છે. 50થી વધુ દેશો તરફથી સ્પુતનિક V રસીના 1.2 બિલિયનથી વધુ ડોઝની માગ પ્રાપ્ત થઇ છે. વૈશ્વિક માર્કેટ માટે રસીના પુરવઠાનું ઉત્પાદન RDIFના ભારત, બ્રાઝિલ, ચાઇના, દક્ષિણ કોરિયા અને અન્ય દેશોમાં ભાગીદારો કરશે. હેટરોના ભારતમાં અને વિદેશમાં કુલ 36 ઉત્પાદન યુનિટ્સ છે.