નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL)એ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સ માટે અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુર્બો (એલ એન્ડ ટી)ને ગુરુવારે આશરે રૂ.25,000 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે સરકારના ફંડ સાથેનો સૌથી મોટો સિવિલ કોન્ટ્રાક્ટ છે.
NHSRCLએ ગુજરાતની હદમાં આવતા 325 કિમી લાઇન માટેનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટીને આપ્યો છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચના આપી હતી કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સના ગુજરાતની હદમાં આવતી લાઇનો માટે કામગીરી ચાલુ કરવામાં આવે.
આ પ્રસંગે ભારત ખાતેના જાપાનના એમ્બેસેડર સાતોશી સુઝુકીએ જણાવ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાની હાલમાં તાતી જરૂરિયાત છે ત્યારે આવો જંગી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સથી જાપાનની ટેકનોલોજી મેળવવામાં ભારતને મદદ મળશે. આ ઉપરાંત કોરિડોરમાં આવતા વિસ્તારનો વિકાસ થશે.
રેલવે બોર્ડના સીઇઓ અને ચેરમેન વી કે યાદવે જણાાવ્યું હતું કે આ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સની કામગીરી પૂર્ણ થયાા બાદ સરકાર વધુ સાત રૂટ પર આવા ટ્રેન કોરિડોરને હાથ પર લેશે.