ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટના અટકવાનું નામ લેતી નથી અને કોરોનાના કહેર સામે લડતા દર્દીઓ આગમાં જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગર શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બન્યા છે. અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલની આગમાં 13 દર્દી ભડથું થયા છે. આમ છતાં સરકાર દ્વારા કોઇ સાવચેતી કે સલામતીના પગલાં લેવામાં આવ્યા નથી.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી, આ અગ્નિકાંડમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીનાં મોત થયાં હતાં. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.
અગાઉ 25 ઓગસ્ટે જામનગરની જી જી હોસ્પિટલના ICU વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાં ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી તેમજ સ્થાનિકોએ ICU વિભાગમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.
આઠ સપ્ટેમ્બરે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયરબ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી.
6 નવેમ્બરની કાળી રાતની રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી અને પાંચ દર્દીને ભરખી ગઈ હતી.