કેન્દ્રીય કેબિનેટે કટોકટીગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેંક (LVB)ને DBS બેંક ઇન્ડિયા સાથે મર્જર કરવાની દરખાસ્તને બુધવારે મંજૂરી આપી હતી અને થાપણદારો દ્વારા થાપણો ઉપાડવા પરના નિયંત્રણો દૂર કર્યા હતા. રિઝર્વ બેન્કે 17 નવેમ્બરના રોજ સરકારે લક્ષ્મી વિલાસ બેંકને એક મહિના માટે મોરેટોરીયમ હેઠળ મૂકી હતી.
કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી 20 લાખ થાપણદારો અને 4,000 કર્મચારીઓને રાહત થશે. લક્ષ્મી વિલાસ બેંકની હાલત ખરાબ કરવા બદલ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે અને બેંકના કોઈ કર્મચારીને છૂટા કરવામાં નહીં આવે. તેમણે માહિતી આપી કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતો અંગેની કેબિનેટ અને કેબિનેટ સમિતિની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
દેશમાં મુશ્કેલીમાં મુકાયેલી કોઈ બેંકને બચાવવા માટે પહેલીવાર કોઈ વિદેશી બેંકની મદદ લેવામાં આવી રહી છે. હકીકતમાં, લક્ષ્મી વિલાસ બેંક છેલ્લા ત્રણ વર્ષથી ખોટમાં ચાલી રહી હતી. આ પછી, નવેમ્બરના મધ્યમાં, સરકારે બેંકને મોરેટોરીયમ હેઠળ મૂકવામાં આવી હતી, જેમાં ગ્રાહકોએ બેંકમાંથી પૈસા ઉપાડવાની મહત્તમ મર્યાદા 25 હજાર રૂપિયા નક્કી કરી હતી
આ ડીલ હેઠળ DBSને લક્ષ્મી વિલાસ બેંકની 563 શાખાઓ અને 974 ATM મળશે. એવું માનવામાં આવે છે કે DBS બેંક ઇન્ડિયાને ભારતના મોટા શહેરોની બહાર તેની સેવાઓ વધારવામાં મદદ મળશે. LVBના મર્જરથી DBSને દક્ષિણ ભારતના તમિલનાડુમાં પ્રવેશ કરવામાં મદદ મળી શકે છે. DBS બેંક મૂળભૂત રીતે સિંગાપોરની બેંક છે. તેને ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપુર લિમિટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે.