ભારતમાં કોરોનાના સૌથી વધુ રિકવરી રેટ ધરાવતા ૨૦ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા સોમવારે વધીને ૧.૮૦ લાખને પાર થઇ ગઇ હતી, જ્યારે સાજા થવાનો દર ૯૧.૨૦% રહ્યો હતો. ગુજરાત કોરોનાના રિકવરી રેટમાં સમગ્ર દેશમાં ૨૩માં સ્થાને રહ્યું હતું. બીજી તરફ આસામ સૌથી વધુ ૯૮.૧૦%નો રિકવરી ધરાવતું હતું.
સોમવાર સુધીના ડેટા અનુસાર આસામમાં કોરોનાના ૨.૧૧ લાખ કેસ સામે ૨.૦૭ લાખ દર્દીઓ સાજા થયા હતા. સૌથી વધુ દર્દીઓ સાજા થવાને મામલે દાદરા નગર હવેલી ૯૭.૮૦% સાથે બીજા, આંધ્ર પ્રદેશ ૯૭.૬૦% સાથે ત્રીજા, બિહાર ૯૭.૩૦% સાથે ચોથા અને ઓડિશા ૯૭.૨૦% સાથે પાંચમાં સ્થાને હતું.
કોરોનાથી સૌથી વધુ રિકવરી રેટ ધરાવતા રાજ્યોમાં કર્ણાટક ૧૧માં, તેલંગાણા ૧૩માં, ઉત્તર પ્રદેશ ૧૪માં, મહારાષ્ટ્ર ૧૬માં સ્થાને હતું. મહારાષ્ટ્રમાં ૧૭.૮૦ લાખ કેસ સામે ૧૬.૫૧ લાખ દર્દીઓ સાજા થતાં રિકવરી રેટ ૯૨.૭૦% રહ્યો હતો.ગુજરાતના જે જિલ્લાઓમાં કોરોનાથી સૌથી વધુ રિકવરી રેટ છે તેમાં નવસારી ૯૮.૪૦% સાથે ટોચના સ્થાને હતું. રિકવરી રેટમાં વલસાડ ૯૮% સાથે બીજા, ડાંગ ૯૬.૭૦% સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું.