કોરોના વાઇરસને પગલે અમદાવાદમાં આ વર્ષે કાંકરિયા કાર્નિવલ પ્રોગ્રામ રદ થવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા દર વર્ષે 25થી 31 ડિસેમ્બરમાં દરમ્યાન કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમો યોજવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના હોવાથી આ પરંપરા તુટે તેવી શક્યતા છે.
આ કાર્યક્રમની તૈયારીઓ નવેમ્બરના છેલ્લા સપ્તાહથી શરૂ કરી દેવી પડે છે. તે દિશામાં આ વર્ષે કોઈ જ હલચલ નથી. કાર્નિવલમાં દર વર્ષે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્યો, ડાયરો, ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વગેરેમાં દર વખતે નાવિન્ય લાવવા નવા નવા કાર્યક્રમો ઉમેરાતા રહેતા હોય છે. ડિસેમ્બર- જાન્યુઆરી બન્ને મહિના કાંકરિયા કાર્નિવલ, પતંગોત્સવ, પુસ્તકમેળો વગેરેના કારણે ધમધમતા રહેતા હોય છે. જે આ વર્ષે કોરોનાના કારણે યોજી શકાશે કે કેમ તે બાબત ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાઈ ગયું છે.
કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ જામતી ભીડના કારણે પણ યોજવાનું સલાહભર્યુ નથી, તેમ ડોક્ટરો જણાવે છે. બીજી તરફ ડિસેમ્બરમાં હાલના મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન વગેરેની મુદત પણ પૂરી થઈ ગયેલી હશે. તેથી આ સંજોગો જોતાં કાર્નિવલ ન યોજાય તેવી શક્યતાં છે.