ગુજરાત અને અમદાવાદમાં શનિવારે અત્યાર સુધીના કોરોનાના સૌથી વધુ કેસનો રેકોર્ડ નોંધાયો હતો. શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીના છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના સૌથી વધુ 1,515 કેસ નોંધાયા હતા, જે 23 માર્ચ પછી દૈનિક ધોરણે સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કોરોનાએ 1,500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે.
આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,95,917 થઇ ગયો છે. હાલ 13,285 એક્ટિવ કેસ છે જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 3,846 થયો હતો. છેલ્લા 24 કલાકની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવી રહી છે.
કોરોનાના કેસને મામલે અમદાવાદ શહેર ફરી ગુજરાતમાં એપીસેન્ટર બની ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં રેકોર્ડ 354-ગ્રામ્યમાં 19 એમ કુલ 373 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 46,968 થયો છે.
સુરતમાં પણ દિવાળીના તહેવારો બાદ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 211-ગ્રામ્યમાં 51 એમ 262 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 41,137 છે. વડોદરા શહેરમાં 125-ગ્રામ્યમાં 39 સાથે 164, રાજકોટ શહેરમાં 89-ગ્રામ્યમાં 48 સાથે 137 નવા કેસ સામે આવ્યા છે.
ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 89 સાથે ગાંધીનગર, 55 સાથે બનાસકાંઠા, 53 સાથે મહેસાણા, 51 સાથે પાટણ, 41 સાથે જામનગર, 30 સાથે કચ્છ, 24 સાથે અમરેલી, 23 સાથે પંચમહાલ, 20 સાથે જુનાગઢ-ખેડાનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 5, સુરતમાંથી 2 જ્યારે ગીર સોમનાથ-રાજકોટમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યું થયાં હતા. આમ, કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1960, સુરતમાં 877, રાજકોટમાં 171, ગીર સોમનાથમાં 24 છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 2% છે.
છેલ્લા 24 કલાકમાં 1271 દર્દીઓ સાજા થયા છે. જેમાં સૌથી વધુ 322 અમદાવાદ, 218 સુરત, 109 રાજકોટ, 98 વડોદરામાંથી છે. અત્યારસુધી કુલ 1,78, 786 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 91.26% છે. હાલ રાજ્યમાં 4,86,806 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં 70388 ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે 71,71,445 છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં જ કોરોનાના 12073 નવા કેસ નોંધાઇ ચૂક્યા છે.