(PTI GRAPHICS)

વિશ્વમાં અમેરિકા બાદ ભારત એવો બીજો દેશ બન્યો છે કે જેમાં કોરોનાના 90 લાખથી વધારે કેસ થઈ ચુક્યા છે. જોકે ભારત માટે રાહતની વાત એ છે કે, 80 લાખથી 90 લાખ સુધી પહોંચવામાં ભારતને 22 દિવસ લાગ્યા છે. હવે કોરોનાની બીજી લહેર ચાલુ થઈ ગઈ છે ત્યારે કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવી શકે છે.

આરોગ્ય મંત્રાલયના શુક્રવારે સવારે જારી કરેલા ડેટા અનુસાર ભારતમાં નવા 45882 નવા કેસ સામે આવ્યા બાદ આંકડો હવે 90.04 લાખ પર પહોંચી ચુક્યો છે. આની સામે અત્યાર સુધી 84.28 લાખ લોકો કોરોનામાંથી રિકવર થયા છે. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 93.6 ટકા થયો છે. કોરોનાથી ભારતમાં અત્યાર સુધીમાં 1.32 લાખ મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 584 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં કોરોનાના આખા દેશમાં 4.43 લાખ એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં 44807 લોકોને હોસ્પિટલમાંથઈ રજા અપાઈ છે.
ભારતમાં કેસ ઓછા થવા પાછળનુ એક કારણ ટેસ્ટિંગમાં થઈ રહેલો ઘટાડો પણ છે. ભારતમાં સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં કોરોના પીક પર પહોંચ્યો હતો અને એ પછી તેનો પ્રકોપ ઘટયો હોવાનુ આંકડા કહી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં માત્ર 11 દિવસમાં કોરોનાના કેસ 40 લાખથી 50 લાખ પર પહોંચી ગયા હતા. ભારતમાં નવેમ્બર મહિનામાં 8.2 લાખ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે અમેરિકામાં આ મહિને જ 25 લાખ નવા કેસ નોંધાયા છે.