દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધવાથી સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો અને અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતમાં લૉકડાઉનની કોઇ વિચારણા નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કરફ્યૂ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. માત્ર વિકેન્ડ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં 20 નવેમ્બરથીી રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લૉકડાઉન આવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં આ સ્પષ્ટતા કરી હતી.
તેમણે કહ્યું કે કોરોના સામે લડવા માટે સરકાર સજ્જ છે. સાથે જ લોકોને સાવચેત રહેવાની લોકોને અપલી કરી હતી. શાળાઓ શરૂ કરવાના મુદ્દે કહ્યું હતું કે આગામી બેઠકમાં હવે શાળાઓ ક્યારે શરૂ કરવી તેનો નિર્ણય લેવાશે. રાજ્યમા કોરોનાનુ સંક્રમણ વધ્યાનો તેમણે સ્વીકાર કર્યો હતો.
અમદાવાદમાં શનિવાર અને રવિવારે લાગનારા 57 કલાકનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો જ છે. રાજ્યના અન્ય તમામ શહેરોમાં રાબેતા મુજબ કાર્ય ચાલુ રહેશે. સતત ફેલાતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે દિવાળી દરમિયાન ખરીદી વખતે લોકોની બેદરકારી, કોરોના જેવું કંઇ છે નહીં તેવી અનેક લોકોની બેજવાબદાર માનસિક્તાને પગલે ગુજરાતમાં કોરોના વાયરસે માથું ઉંચક્યું છે અને દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતી સર્જાઇ રહી છે. બુધવારે સાંજની માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1340 નવા કેસ નોંધાયા છે. આમ, પ્રત્યેક કલાકે 22થી વધુ વ્યક્તિ સંક્રમણમાં સપડાઇ રહી છે. ગુજરાતમાં 7 ઓક્ટોબર એટલે કે 43 દિવસમાં પ્રથમવાર કોરોનાના દૈનિક કેસે 1300ની સપાટી વટાવી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 7 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3830 છે.
સાબરમતી રિવરફ્રન્ટ ( (istockphoto.com)