આ શિયાળામાં વિસ્તૃત ફ્લૂ રસીકરણ પ્રોગ્રામના ભાગ રૂપે તા. 1 ડિસેમ્બરથી 50થી 64 વર્ષના લોકોને ફ્લૂની રસી મફત અપાશે એવી સરકારે શુક્રવાર તા. 20 નવેમ્બરના રોજ જાહેરાત કરી હતી. આ વયજૂથના લોકો તેમના જી.પી. અથવા ફાર્માસિસ્ટ પાસેથી ફ્લૂ જેબ મફત મેળવી શકશે. નવા લાયક જૂથ માટે જી.પી. અને ફાર્મસીઓને રસી ઉપલબ્ધ કરવવા માટે કેન્દ્રિય સ્તરે પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ફ્લૂ રસીકરણના પ્રારંભિક તબક્કાની કામગીરી સારી રીતે ચાલી રહી છે. ગયા વર્ષના આ સમયની તુલનામાં સગર્ભા સ્ત્રીઓ સિવાય તમામ નબળા જૂથોમાં ફ્લૂ રસીકરણનું પ્રમાણ વધારે છે. ગુરૂવાર તા. 19 નવેમ્બરના રોજ પીએચઇ દ્વારા પ્રકાશિત પ્રોવિઝનલ ડેટા સૂચવે છે કે 65 અને તેથી વધુ વયના 72.9% લોકોએ, 2 વર્ષની વયના 45.0% લોકોએ અને 3 વર્ષની વયના 46.8% લોકોએ રસી મેળવી છે. ઇંગ્લેન્ડમાં આ વર્ષની ફલૂ સીઝનમાં 30 મિલિયન લોકોને રસી આપવા માટે પૂરતો ફ્લૂ રસી પુરવઠો છે.
હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે “આ શિયાળો અન્ય જેવો નથી, આપણે ફલૂ અને કોવિડ-19 ના બે જોખમોની ચિંતા કરવાની છે. ફ્લુ જેબ મેળવવી આ વર્ષે વધુ મહત્વપૂર્ણ છે.”
પબ્લિક હેલ્થ મિનીસ્ટર જો ચર્ચિલે કહ્યું હતું કે “આ પડકારજનક શિયાળાની તૈયારી માટે, અમે શક્ય તેટલા લોકોને ફ્લૂથી બચાવવા, જોખમમાં રહેલા લોકોને સુરક્ષિત રાખવા અને આપણા એનએચએસ પરની તાણ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર જોનાથન વેન-ટેમે જણાવ્યું હતું કે “હજારો લોકો માટે ગંભીર બીમારીઓ અને સંભવિત હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ રોકવા માટે આ અને દર શિયાળામાં ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ એ એક મહત્વપૂર્ણ સાધન છે. હું બધાને વિનંતી કરું છું કે તેઓ રસી મેળવવા માટે તેમની એપોઇન્ટમેન્ટ વહેલી તકે બુક કરાવે.”