ઇસ્લામી ત્રાસવાદીઓનો સફાયો કરવા ફ્રાન્સના હવાઇદળે આફ્રિકી દેશ માલીમાં આતંકવાદીઓનાં મથકો અને શિબિરો પર ભારે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદાના કેટલાક ખતરનાક ગણાતા કમાન્ડર્સ માર્યા ગયા હોવાનું માનવામાં આવતું હતું.
આ હુમલામાં ઇસ્લામી આતંકવાદી જૂથ આરવીઆઇએમના વડા બાહ અગ મૂસા ઠાર થયો હોવાના અહેવાલ વહેતા થયા હતા. યુનોએ જાહેર કરેલી ત્રાસવાદી જૂથોની યાદીમાં આરવીઆઇએમનો પણ સમાવેશ થાય છે.
ફ્રાન્સના લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓબ્ઝર્વેશન ડ્રોને આપેલી માહિતીના આધારે બાહ અગ મૂસા માલીમાં કયા વિસ્તારમાં હતો એની જાણકારી મળી હતી. ત્યારબાદ માલીના મેનકા વિસ્તારમાં અમે કમાન્ડો અને હેલિકોપ્ટર દળોને રવાના કર્યા હતા. મૂસા જે ટ્રકમાં હતો એ ટ્રકમાંના પાંચે પાંચ જણ માર્યા ગયા હતા.
ફ્રાન્સના સંરક્ષણ પ્રધાને એક નિવેદનમાં એવો દાવો કર્યો હતો કે મૂસા નવા ભરતી થયેલા આતંકવાદીઓને તાલીમ આપતો હતો. તે ત્રાસવાદીનો ગુરૂ હતો. તેથી તેને ખતમ કરવો જરૂરી હતો. માલીમાં ત્રાસવાદી જૂથોને ખતમ કરીને શાંતિ સ્થાપવા માટે ફ્રાન્સના પાંચ હજાર જવાનો તહેનાત હતા. યુનોએ મોકલેલા શાંતિ દળોના 13 હજાર જવાનો પણ આ વિસ્તારમાં છે.