દર વર્ષની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે પણ સરહદ પર તૈનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવા રાજસ્થાનના જૈસલમેર સરહદ પર શનિવારે પહોંચી ગયા હતા. વડાપ્રધાન સાથે સીડીએસ બિપિન રાવત, આર્મી ચીફ એમએમ નરવાણ, એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરીયા અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ છે.
વડાપ્રધાન જૈસલમેરના લોંગેવાલા બોર્ડર પર બીએસએફના જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરી રહ્યા છે. લોંગેવાલા મૂળભૂત રીતે બીએસએફની એક પોસ્ટ છે. લોંગેવાલા દેશના લશ્કરી ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ તે જગ્યા છે જ્યાં 1971 માં ભારત પાકિસ્તાનનું ભયંકર યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનીઓ પર જે કહેર વર્તાવ્યો હતો, તેને પાકિસ્તાન હજી ભૂલી શક્યું નથી.
4 ડિસેમ્બર 1971ના યુદ્ધમાં લોંગેવાલા પોસ્ટ પર તૈનાત 120 ભારતીય સૈનિકોએ 40થી 45 ટેન્કોનો કબ્જો કરવા આવેલા 3000 પાકિસ્તાની સૈનિકોને જે હાર આપી હતી તે ઈતિહાસ બની ગઈ છે. લોંગેવાલા ચોકીને કબજે કરવાના પ્રયાસમાં પાકિસ્તાનીઓએ તેમની 34 ટેન્કો, પાંચસો વાહનો અને બસો જવાન ગુમાવવા પડ્યા હતા, પરંતુ આ ચોકી અજેય રહી ગઈ હતી.
ગયા વર્ષે 27 ઓક્ટોબર 2019 ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ મોદીએ પહેલી દિવાળી સિયાચીનમાં મનાવી હતી. 2015માં મોદીએ પંજાબ સરહદે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2016માં તેઓએ હિમાચલ પ્રદેશનાં ઈન્ડો-તિબ્બત બોર્ડર પર જવાનો વચ્ચે પહોચ્યા હતા. 2017માં જમ્મુ કાશ્મીરનાનાં ગુરેજમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. મોદીએ દીવાળીના પર્વે દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ એક દીવો સીમા પર તૈનાત જવાનોને નામે પ્રગટાવે.