કોરાની મહામારી, લોકડાઉનને પગલે મોટીસંખ્યા મજૂરોનું પલાયન, તીવ્ર આર્થિક નરમાઈ, મોંઘવારી, ખેડૂતોના આંદોલન, સરહદ પરની સમસ્યા જેવા અનેક અવરોધ હોવા છતાં દેશમાં મોદીનો જાદુ હજુ અકબંધ છે.
ત્રીજી અને સાતમી નવેમ્બરે દેશના 11 નાના મોટા રાજ્યોમાં થયેલી પેટાકંપનીઓ અને બિહાર વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટમાંથી સ્પષ્ટ સંકેત મળે છે કે દેશમાં મોદી બ્રાન્ડની હજુ પણ ચાલે છે. બિહારમાં ભાજપ 110 બેઠક પર ચૂંટણી લડ્યું હતું અને ભાજપને તેમાંથી 74 બેઠકો મળી હતી. આ ઉપરાંત 11 રાજ્યોની વિધાનસભાની 59 બેઠકની પેટાચૂંટણીમાંથી ભાજપને 41 બેઠકો મળી હતા. ભાજપના આ વિજય માટે મોદીને શ્રેય આપવામાં આવે છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુ કરતાં ભાજપ ઓછી બેઠકો પર ચૂંટણી લડ્યું હોવા છતાં તેનો વધુ બેઠકો પર વિજય થયો છે. રાજકીય નિરીક્ષકો માને છે કે રાજ્યમાં ભાજપના વિજય માટે મોદી બ્રાન્ડ કારણભૂત છે.
દરેક ચૂંટણી વખતે બને છે એમ આ વખતે પણ તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત છે. 1970 અને 1980ના દાયકામાં જે દબદબો ઇંદિરા ગાંધીનો હતો એવો દબદબો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લાગે છે. કોરોના, ડામાડોળ આર્થિક પરિસ્થિતિ, ઉત્તરપ્રદેશમાં અને અન્યત્ર વધી રહેલા ગેંગરેપના કિસ્સા, જીવન જરૂરી ચીજોનો બેફામ ભાવવધારો અને સળગતી સરહદો જેવી ખાસ્સી મોટી સમસ્યાઓનો સામનો ભાજપ અને ખાસ તો નરેન્દ્ર મોદી કરી રહ્યા હતા. વિપક્ષોએ તેમને માથે માછલાં ધોવામાં જરાય કસર રાખી નથી.
આજે તેમની બરાબરીનો કોઇ નેતા ભાજપ કે અન્ય કોઇ રાજકીય પક્ષ પાસે નથી. પોતાની વાત સામાને ગળે ઊતારવાની તેમની પ્રતિભા, ગજબનો આત્મવિશ્વાસ અને સાંભળનારને આંજી નાખે એવી વકતૃત્વ કલા એમની સૌથી મોટી મૂડી છે. અત્યારે તો વડાપ્રધાને પોતાના પક્ષને બહુ મૂલ્યવાન દિવાળી ભેટ આપી છે.