છ ગામ પાટીદાર સમાજ, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, ગુજરાતીઝ ઇન યુકે, બાવીસ ગામ પાટીદાર સમાજ, લોહાણા કમ્યુનિટિ નોર્થ લંડન અને વિવેકાનંદ સેન્ટર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા શનિવાર તા. 31 ઑક્ટોબર 2020ના રોજ લંડનમાં સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજયંતિની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભે વડોદરાથી વત્સલાબેન અને તેની પુત્રી અનુસ્કા પાટીલે સ્તુતિ અને ભજન રજૂ કર્યા હતા. કરમસદ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે મહાન વ્યક્તિત્વની જન્મજયંતિની ઉજવણી કરવા માટે ઉપસ્થિત વક્તાઓ, મહાનુભાવો અને ભાગ લેનારા સંગઠનોને આવકારી સરદાર પટેલ કરમસદના વતની હોવા બદલ ખાસ ગર્વનો અનુભવ થતો હોવાનું જણાવ્યું હતું. શ્રી શરદભાઇ પરીખે તેમના ભાષણમાં સરદારની બેરિસ્ટર બનવા સુધીની મહેનતનું વર્ણન કરી સરદારના જીવનની રૂપરેખા આપી હતી.
મુખ્ય વક્તા, ઇતિહાસકાર અને શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ, અમદાવાદના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રિઝવાન કાદરીએ સિંહપુરુષ સરદાર પટેલ પરના પોતાના સંશોધનને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનની સહાયથી વિવિધ દસ્તાવેજો સાથે રજૂ કરીને સરદાર પટેલ વિષેની નહિં જાહેર થયેલી રોચક માહિતી આપી હતી. ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપીના અધ્યક્ષ લાલુભાઇ પારેખે ભારતમાં જૂનાગઢના વિલય, સોમનાથ મંદિરના નિર્માણ અંગે રસપ્રદ માહિતી રજૂ કરી હતી.
નડિયાદ નાગરિક મંડળના પ્રમુખ અજિતભાઈ દેસાઇએ સરદારને શ્રધ્ધાંજલી અર્પી ખેડા જિલ્લાના સાંસદ શ્રી દેવુસિંહ ચુડાસમા ઉપસ્થિત ન રહી શક્યા તે અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.
NAPSના પ્રમુખ પ્રવિણભાઇ અમીને અન્ય અગ્રણીઓ મહેન્દ્રસિંહ જાડેજા, અનિતાબેન રૂપારેલીયા, ભાદરણના બિમલભાઇ પટેલ, નડિયાદના અજીતભાઇ, ધર્મજનાં મનહરભાઇ અને મુકુંદભાઇ, સોજીત્રાના
પ્રિયેશભાઇ અને કલાબેન, NAPSના ઉમેશ અમીન, LCNLના પ્રમુખ યતિનભાઇ દાવડા, ગરવી ગુજરાતનો પબ્લિસિટી માટે અને બાવીસ ગામ અને વિવેકાનંદ સેન્ટરના અગ્રણીઓ, એનઆરજી સેન્ટર, અમદાવાદના અધ્યક્ષ દિગંત સોમપુરાનો સહાય બદલ આભાર માન્યો હતો.