અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન જીતની નજીક પહોંચી ગયા છે, પરંતુ મતગણતરી ચાલુ હોવાથી હજુ તેમને વિજેતા જાહેર કરાયા નથી. નિર્ણાયક રાજ્યોમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે તેમની સરસાઈમાં વધારો થયો હતો.
બિડેને શુક્રવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે આંકડા સ્પષ્ટ સંકેત આપે છે તે આ સ્પષ્ટ અને નિર્ણાયક જીત છે. અમે સ્પર્ધામાં વિજેતા બની રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ અને તેમના સાથીદાર કમલા હેરિસે વ્હાઇટ હાઉસ માટેની તૈયારી કરવા માટે નિષ્ણાતો સાથે બેઠક યોજી છે.
બિડેનના સમર્થકોએ ફિલાડેલ્ફિયાની રસ્તા પર વિજયની ઉજવણી ચાલુ કરી હતી, જ્યારે ટ્રમ્પના સમર્થકોએ ફિનિક્સ અને ડેટ્રોઇટમાં દાવો કર્યો હતો કે ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે. સ્ટોપ ધ સ્ટીલના બેનર હેઠળ ટ્રમ્પના સમર્થકોએ શનિવારે સંખ્યાબંધ સ્થળો પર રેલી કરવાની યોજના બનાવી છે.
ડેલવેરમાં બિડેનના પ્રવચનનો મૂળ હેતુ વિજયની ઉજવણી હતી, પરંતુ ટેલિવિઝન નેટવર્ક અને બીજા ચૂંટણી અધિકારીઓ દ્વારા સત્તાવાર જાહેર ન થઈ હોવાથી આ યોજના બદલવામાં આવી હતી.