અમેરિકાની 2020ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં 120 વર્ષમાં સૌથી વધુ મતદાન થયું છે. ત્રણ નવેમ્બરે યોજાયેલી આ ચૂંટણીમાં 66.9 ટકાનું વિક્રમજનક મતદાન થયું હતું, જે 1900 પછી સૌથી ઊંચું છે. 1900ની ચૂંટણીમાં 73.7 ટકા જેટલું જંગી મતદાન થયું હતું, એમ અગ્રણી ઇલેક્ટોરલ એક્સપર્ટે જણાવ્યું હતું.
મતદાન પર દેખરેખ રાખતી સાઇટ યુએસ ઇલેક્શન પ્રોજેક્ટના પ્રાથમિક અંદાજ મુજબ આ વર્ષે અંદાજે 239 મિલિયન મતદાતા હતા, જેમાંથી આશરે 160 મિલિયન લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આગામી સપ્તાહોમાં આ આંકડા અપડેટ થવાની ધારણા છે.
યુએસ ઇલેક્શન પ્રોજેક્ટના વડા માઇકલ પી મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે 2020ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં 120 વર્ષમાં સૌથી વધુ મતદાન થયું છે. આ આંકડા અંદાજિત છે, કારણ કે હજુ મતગણતરી ચાલું છે. 2016માં અમેરિકામાં 56 ટકા અને 2008માં 58 ટકા મતદાન થયું હતું.
યુએસ ઇલેક્શન પ્રોજેક્ટના જણાવ્યા અનુસાર મિનેસોટા અને મૈઇન પ્રત્યેકમાં સૌથી વધુ 79.2 ટકા મતદાન થયું છે. લોવા 78.6 ટકા સાથે બીજા ક્રમે છે. મૈઇન અને લોવામાં પ્રેસિડન્ટ ટ્રમ્પનો વિજય થયો હતો, જ્યારે મિનેસોટામાં બિડેનને સફળતા મળી હતી.
70 ટકાથી વધુ મતદાન થયું છે તેવા બીજા રાજ્યોમાં કોલારોડો (77.1 ટકા), કનેક્ટિકટ (71.1 ટકા), ડેલવેર (70.8 ટકા), ફ્લોરિડા (72.9 ટકા), મેરિલેન્ડ (72.2 ટકા), મેસેચ્યુસેટ્સ (73.4 ટકા), મિશિગન (73.5 ટકા) અને મોન્ટેના (72.3 ટકા)નો સમાવેશ થાય છે. આર્કન્સાસમાં સૌથી ઓછું 56.1 ટકા મતદાન થયું હતું. ગુરુવારની બપોર સુધીમાં બિડેનને આશરે 72 મિલિયન વોટ મળ્યા હતા, જે હિલેરી ક્લિન્ટનને 2016માં મળેલા મત કરતાં આઠ મિલિયન વધુ છે.