યુએઈમાં આઈપીએલની પોતાની લીગ સ્ટેજની અંતિમ મેચમાં દિલ્હી કેપિટલ્સે સોમવારે અબુ ધાબીમાં કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોરને છ વિકેટે હરાવી પોઈન્ટ્સ ટેબલમાં પાછો પોતાનો બીજો ક્રમ હાંસલ કરી લીધો હતો, તો બેંગલોરે છેલ્લા મુકાબલામાં પરાજય છતાં પ્લે ઓફ્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. મંગળવારે લીગ સ્ટેજની છેલ્લી મેચ ટોપર્સ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં મુંબઈને વિજય કે પરાજયથી કોઈ ફરક નથી પડવાનો, તેનું ટોચનું સ્થાન સુરક્ષિત જ છે, જ્યારે કે હૈદ્રાબાદ માટે તે નિર્ણાયક મેચ રહેશે – જીતે તો પ્લે ઓફ્સમાં સ્થાન મળશે, હારે તો કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લે ઓફ્સમાં પહોંચશે.
સોમવારની મેચમાં પહેલી બેટિંગ કરી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 7 વિકેટે 152 રન કર્યા હતા, જે કોઈ ખાસ પડકારજનક સ્કોર નહોતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19મી ઓવરમાં 4 વિકેટે 154 રન કરી છ વિકેટે વિજય હાંસલ કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત ધીમી રહી હતી. જોશ ફિલિપ અને દેવદત્ત પડિક્કલે ઈનિંગની શરૂઆત કરી હતી. જોશ ફિલિપ પહેલો વિદાય થયો હતો, એ પછી વિરાટ કોહલીને રવિચન્દ્રન અશ્વિને પેવેલિયનમાં મોકલ્યો હતો. કોહલીએ 24 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 29 રન કર્યા હતા. પણ બીજા ઓપનર દેવદત્ત પડિક્કલે શાનદાર બેટિંગ સાથે ટૂર્નામેન્ટની પાંચમી અડધી સદી ફટકારી હતી. તેના સિવાય એ બી ડીવિલિયર્સે 35 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
દિલ્હી કેપિટલ્સ તરફથી નોર્જેએ 33 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી, તો રબાડાએ 30 રનમાં બે અને અશ્વિને 18 રનમાં એક વિકેટ લીધી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી શિખર ધવન અને પૃથ્વી શોએ ઈનિંગની શરૂઆત કરી હતી. પૃથ્વી ફરી નિષ્ફળ રહ્યો હતો, તે માત્ર 9 રન કરી શક્યો હતો. પ્રથમ વિકેટ ગુમાવ્યા પછી શિખર ધવન અને રહાણેએ 88 રનની ભાગીદારી કરી હતી. ધવને 41 બોલમાં 6 ચોગ્ગા સાથે 54 રન કર્યા હતા. રહાણેએ શાનદાર બેટિંગ કરતાં 46 બોલમાં એક છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 60 રન કર્યા હતા.