ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટિક કોંગ્રેસમેન રાજા ક્રિષ્નમૂર્તિ સતત ત્રીજી મુદત માટે અમેરિકાના પ્રતિનિધિ ગૃહમાં ચૂંટાયા છે. 47 વર્ષીય ક્રિષ્નમૂર્તિએ લિબર્ટેરિયન પાર્ટીના પ્રેસ્ટોન નેલ્સનને સરળતાથી પરાજય આપ્યો હતો. નવી દિલ્હીમાં જન્મેલા ક્રિષ્નમૂર્તિને મતગણતરીના છેલ્લાં અહેવાલ મુજબ કુલમાંથી આશરે 71 ટકા વોટ મળ્યા હતા.
ક્રિષ્નમૂર્તિ સૌ પ્રથમ 2016માં પ્રતિનિધિ ગૃહમાં ચૂંટાયા હતા. દરમિયાન કોંગ્રેસમેન અમી બેરાનો કેલિફોર્નિયામાં સતત પાંચમી મુદત માટે વિજય થયો હતો. રો ખન્ના પણ કેલિફોર્નિયામાંથી સતત ત્રીજા ટર્મ માટે પ્રતિનિધિગૃહમાં ચૂંટાયા હતા. ઇન્ડિયન અમેરિકન પ્રેમિલા જયપાલ વોશિંગ્ટન સ્ટેટમાં સતત ત્રીજા ટર્મ માટે ચૂંટાયા હતા. કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં મતગણતરી ચાલુ છે.