કોરોના કેસોની સંખ્યામાં વધારાને પગલે ફ્રાન્સની સરકાર પેરિસ અને સંભવત રાજધાની નજીકના વિસ્તાર ઇલે-ડી ફ્રાન્સમાં ઇવનિંગ કરફ્યુ અમલ કરશે, એમ સરકારના પ્રવક્તા ગેબ્રિયલ એટ્રેલે મંગળવારે જણાવ્યું હતું.
પેરિસમાં ઇવનિંગ કરફ્યુ સાંજે પાંચ વાગ્યે લાગુ થશે. આ નિયંત્રણો ગયા સપ્તાહે પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને લાગુ કરેલા રાષ્ટ્રીય લોકડાઉન ઉપરાંતના છે. નવા નિયંત્રણોની વધુ વિગત પછીથી જારી કરવામાં આવશે.
ફ્રાન્સમાં મંગળવારે કોરોના વાઇરસના 52,518 નવા કેસ નોંધાયા હતા અને હોસ્પિટાઇઝ્ડ લોકોની સંખ્યા વધીને 1,000 થઈ હતી. નવું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી મહામારીના ફેલાવામાં ઘટાડો થયો નથી. ફ્રાન્સમાં મૃત્યુઆંક 416 વધીને 37,435 થયો હતો. રવિવારે 231 લોકોના મોત થયા હતા. સાત દિવસની સરેરાશ 345 મોતની છે.
ફ્રાન્સના આરોગ્ય પ્રધાન ઓલિવયર વેરને જણાવ્યું હતું કે દર 30 સેકન્ડે પેરિસના એક વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થાય છે અને દર 15 મિનિટે એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.